એક લાખ રાજકોટવાસીઓ વડાપ્રધાને લખેલા ગરબાના તાલે ઘુમીને વર્લ્ડ રેકોર્ડ બનાવશે
રાજકોટમાં આગામી 28 ઓક્ટોબર એટલે કે શરદ પૂનમની રાત્રે એક અનોખો રેકોર્ડ સર્જાશે. શરદ પૂનમ રાત્રે 1,00,000 ખેલૈયાઓ એક જ સ્થળે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રચિત ‘માડી’ ગરબાના તાલે ઘુમીને વર્લ્ડ રેકોર્ડ બનાવશે. વડા પ્રધાન મોદીના શબ્દોને ગાયક પાર્થિવ ગોહિલ સ્વર આપશે તેમજ કાર્યક્રમ માટે સંગીત અને સંકલનનું નેતૃત્વ કરશે.
આ કાર્યક્રમ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે યોજાશે અને કાર્યક્રમમાં પ્રવેશ નિ:શુલ્ક રહેશે. અત્યાર સુધી સૌથી વધુ લોકો એક સાથે ગરબે રમ્યા હોવાનો રેકોર્ડ વડોરમાં સર્જાયો હતો, જ્યાં 60 હજાર ખેલૈયાઓ એક સાથે ગરબે રમ્યા હતા. હવે રાજકોટનો કાર્યક્રમ ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મેળવવા ઉપરાંત, અન્ય રેકોર્ડ બુક્સ જેમ કે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ ઇન લંડન અને ઈન્ડિયન ટ્રેડિશનલ બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાશે.
આ કાર્યક્રમ માટે રાજકોટ શહેર ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ શરુ કરવામાં આવી છે. કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી પણ હાજર રહેશે. ગરબાની ઉજવણી ઉપરાંત, આ કાર્યક્રમ ડ્રગ્સના દુષણ વિરુદ્ધ અભિયાન અંગે જાગૃતિ ફેલાવવામાં આવશે.
રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં રાત્રિના 7 વાગ્યાથી લઈ 11 વાગ્યા સુધી લોકો ગરબાના રમી શકશે. સ્થળ પર જ 30 જેટલી મેડિકલ ઈમરજન્સી ટીમ, 10 જેટલી એમ્બ્યુલન્સની સેવા પણ તૈનાત રહેશે.
ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન મોદી માતાજીના ઉપાસક છે. નવરાત્રિ દરમિયાન નવ દિવસ દરમિયાન તેઓ ઉપવાસ કરે છે. વડા પ્રધાન મોદીની ઓફીશીયલ યુટ્યુબ ચેનલ પર ‘માડી’ ગરબાનો મ્યુઝિક વિડિયોએ ઉપલબ્ધ છે જેને 12 લાખથી વધુ વ્યુ મળી ચુક્યા છે.