વડોદરામાં રહેતા શાહી પરિવારના ઑલ્ડેસ્ટ ભારતીય ક્રિકેટરનું અવસાન: હવે કોણ છે સૌથી મોટી વયના ક્રિકેટર?
વડોદરા: 1952થી 1961 દરમ્યાન ભારત વતી ટેસ્ટ-ક્રિકેટ રમી ચૂકેલા શાહી પરિવારના ખેલાડી દત્તાજીરાવ કૃષ્ણરાવ ગાયકવાડનું વડોદરાની હૉસ્પિટલમાં નિધન થયું છે.
તેઓ 95 વર્ષના હતા અને વયોવૃધ્ધ અવસ્થા સંબંધિત બીમારીઓને કારણે અસ્વસ્થ હતા. છેલ્લા 12 દિવસથી તેઓ આઇસીયુમાં હતા.
ભારતના ભૂતપૂર્વ ઓપનિંગ બૅટર અને ભૂતપૂર્વ નૅશનલ સિલેક્ટર અંશુમાન ગાયકવાડના પિતા દત્તાજીરાવ ગાયકવાડે 1959માં ભારતીય ટીમ ઇંગ્લૅન્ડના પ્રવાસે ગઈ ત્યારે કૅપ્ટન્સી સંભાળી હતી. ત્યારે ભારતીય ટીમમાં પંકજ રૉય, નરી કૉન્ટ્રૅક્ટર, અબ્બાસ અલી બેગ, બાપુ નાડકર્ણી, ચંદુ બોરડે, જયસિંહરાવ ઘોરપડે, નરેન તામ્હણે, સુભાષ ગુપ્તે અને રમાકાંત દેસાઈ જેવા જાણીતા પ્લેયરો હતા.
ભારત સામેની એ સિરીઝમાં કૉલિન કાઉડ્રી ઇંગ્લૅન્ડના સુકાની હતા અને તેમની ટીમમાં રમણ સુબ્બા રાવ, માઇક સ્મિથ, કેન બેરિંગ્ટન, ટેડ ડેક્સટર, રે ઇલિંગવર્થ, ફ્રેડ ટ્રુમૅન, બ્રાયન સ્ટાધમ જેવા ખ્યાતનામ ખેલાડીઓ હતા.
રાઇટ-હૅન્ડ બૅટર દત્તાજીરાવ ગાયાકવાડે 1952માં ઇંગ્લૅન્ડ સામે ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું અને 1961માં તેઓ ચેન્નઈ (એ સમયનું મદ્રાસ)માં કરીઅરની છેલ્લી ટેસ્ટ પાકિસ્તાન સામે રમ્યા હતા. 11 ટેસ્ટમાં તેમણે 350 રન બનાવ્યા હતા. તેઓ બૅટિંગમાં ડિફેન્સિવ ટેક્નિક માટે અને ડ્રાઇવ માટે જાણીતા હતા. કોઈ પણ સ્થાને અસરદાર ફીલ્ડિંગ કરી શક્તા હોવાથી હરીફ બૅટર્સ તેમની સામે શૉટ મારવામાં ખૂબ સાવધ થઈ જતા હતા.
રણજી ટ્રોફીમાં તેઓ બરોડાની ટીમ વતી રમ્યા હતા. જેમાં તેમણે 1947થી 1961 દરમ્યાન પુષ્કળ રન બનાવ્યા હતા. રણજી ટ્રોફીમાં તેમના નામે 14 સેન્ચુરી સહિત કુલ 3139 રન છે. એમાં 249 રન તેમનો હાઇએસ્ટ સ્કોર છે. એ ડબલ સેન્ચુરી તેમણે મહારાષ્ટ્ર સામે નોંધાવી હતી. બરોડાની ટીમમાં તેઓ આધારસ્તંભ હતા. તેમના સુકાનમાં બરોડાએ 1957-’58ની સીઝનમાં રણજી ટ્રોફીમાં ચૅમ્પિયનપદ મેળવ્યું હતું.
2016માં ભૂતપૂર્વ બૅટર દીપક શોધનનું 87 વર્ષની વયે અમદાવાદમાં નિધન થયું ત્યાર પછી દત્તાજીરાવ ગાયકવાડ દેશના ઑલ્ડેસ્ટ ક્રિકેટર હતા. હવે ચેન્નઈના સી. ગોપીનાથ ભારતના ઑલ્ડેસ્ટ ક્રિકેટર છે જેઓ 93 વર્ષના છે.