ચીયર્સઃ હવે ગુજરાત આવતા પર્યટકોએ લીકર માટે જફા નહીં કરવી પડે, સરકાર લાવી રહી છે એપ…

અમદાવાદઃ ગુજરાતમાં દારૂબંધી ખરેખર છે કે પછી માત્ર કાગળ પર તે હંમેશાં ચર્ચાનો વિષય રહ્યો છે, પરંતુ અન્ય રાજ્યો કે દેશમાંથી આવતા લોકોએ અહીં દારૂ મેળવવા ઘણી કટકટ સહન કરવી પડે છે, પરમિટ્સ મેળવવા જફા કરવી પડે છે અને તે તેમને ગમતું નથી કારણ કે તેમના રાજ્યમાં આ બધુ કરવાનું હોતું નથી.
ગુજરાત વારંવાર કામ અર્થે કે ફરવા માટે આવતા પર્યટકોની તકલીફ સરકારને ધ્યાને આવી છે અને હવે તે માટે એક મોબાઈલ એપ લાવવાની વિચારણા ચાલી રહી હોવાનું અહેવાલ દ્વારા જાણવા મળ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર એપની ટ્રાયલ થઈ ગઈ છે અને આવનારા પંદરેક દિવસમાં કાર્યરત થઈ જશે.
આ એપ આવ્યા બાદ હોટેલના કાઉન્ટરો પર ડોક્યુમેન્ટ્સ લઈને ઊભું રહેવું પડશે નહીં. એપમાં આધારકાર્ડ જેવા ઈડેન્ટિટી પ્રુફ અપલૉડ કરવાની તેમ જ પેમેન્ટ કરવાની સુવિધા હશે. એકવાર તેમની એપ્લીકેશન વેરિફાઈડ થશે ત્યારબાદ પર્યટકને પરમિટ મળી જશે અને તે કોઈપણ ઓથોરાઈઝ્ડ શૉપ પરથી પરમિશન લીધેલી ક્વોન્ટિટીનો દારૂ લઈ શકશે.
હાલમાં બહારગામથી આવતા અને દારૂ પીવા ઈચ્છતા લોકોએ પસંદગીની હોટલમાંથી દારૂ લેવા માટે ફોર્મ ભરવું પડે છે, ડોક્યુમેન્ટ્ની હાર્ડકૉપી આપવી પડે છે, ત્યારબાદ હોટેલ મેનેજમેન્ટે આ ફોર્મ સબમિટ કરવું પડે છે અને સરકારી મંજૂરી મળ્યા બાદ પરમિટ આપવાની રહે છે. જેમાં સમય જાય છે.
હાલમાં ગિફ્ટ સિટીમાં પણ પરમિટધારકો ખાસ પ્રોસેસ કર્યા બાદ જ લીકર ખરીદી શકશે. આ એપ બાદ તેમની પણ ઝંઝટ ઓછી થશે, તેમ એક અધિકારીએ જણાવ્યું હતું. રાજ્યમાં આવતા ઘણા પર્યટકોએ ફરિયાદ કર્યા બાદ આ એપ વિકસાવવામાં આવે છે. ગુજરાત ટૂરિસ્ટ ડેસ્ટિનેશન બન્યું છે ત્યારે આ પ્રકારની સુવિધાઓ ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટે પણ લાભદાયી સાબિત થશે, તેમ અધિકારીનું કહેવાનું છે.



