હવે પોલીસ સામે પણ થઇ શકશે ફરિયાદ, હાઇકોર્ટની લપડાક બાદ રાજ્ય સરકાર લાવી અલગ નંબર

અમદાવાદ: પોલીસ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે, લોકોની સુરક્ષા માટે કામ કરતી હોય છે પરંતુ જો કોઈ નાગરિકને ખુદને પોલીસની સામે વાંધો હોય કે પોલીસના દમનથી ત્રસ્ત થઈ રહી હોય તો શું કરવું તેનું સમાધાન હવે ગુજરાતને મળશે.
શહેરના ઓગણજ વિસ્તારમાં દંપતિને પોલીસે રોકીને તોડ કરવાના કેસમાં ગુજરાત હાઇકોર્ટે ગંભીર નોંધ લીધી હતી. સુઓમોટો અરજીમાં Gujarat Highcourtના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જજ અનિરુદ્ધ માયીની બેન્ચ સામે કેસની આજે સુનાવણી યોજાઇ હતી, જેમાં કોર્ટના આદેશ મુજબ રાજ્ય સરકારે હેલ્પલાઇન નંબર 14449 પર નાગરિકો પોલીસની ફરિયાદ કરી શકશે તેવું કોર્ટમાં જણાવ્યું છે.
સરકાર વતી કેસ લડી રહેલા વકીલે નંબર આપીને જણાવ્યું હતું કે આગામી 15 દિવસની અંદર આ નંબર ચાલુ કરી દેવાશે. તે પછી જનજાગૃતિ માટે અલગ અલગ માધ્યમો દ્વારા લોકો સમક્ષ તેની જાહેરાત કરાશે. આ હેલ્પલાઇન 24*7 ચાલુ રહેશે અને નંબર દર્શાવતા બેનર્સ પણ રાજ્યમાં અલગ અલગ ઠેકાણે લગાવવામાં આવી રહ્યા છે. પોલીસ સ્ટેશન, સરકારી કચેરીઓ, ટ્રાફિક પોઇન્ટ, ટોલ પ્લાઝા જેવી જગ્યાઓ પર આ નંબર દર્શાવતા બેનરો લગાવવામાં આવશે.
ગુજરાતમાં ભ્રષ્ટાચારની ફરિયાદ માટે એન્ટી કરપ્શન બ્યુરોની હેલ્પલાઇન- 1064, તે પછી મહિલાઓની મદદ માટે 181 અભયમ હેલ્પલાઇન તથા 1091 હેલ્પલાઇન પણ પ્રચલિત છે. અને હવે પોલીસ દમન કે હેરાનગતિ કરે તો એ માટે 14449 અલગ નંબર ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવશે. એડવોકેટ જનરલે ગુજરાત હાઈકોર્ટમાં આ માટેની બાંહેધરી આપી હતી અને જણાવ્યું હતું કે આ નવા નંબર પર પોલીસ સામે ફરિયાદ કરી શકાશે અને આ ફરિયાદ પર 24 કલાકમાં જ કડક કાર્યવાહી હાથ ધરાશે. હાલના 100 અને 112 નંબર પણ સેવામાં ચાલુ રહેશે.