હવે ભાજપના નેતા કનુ દેસાઈએ કર્યો બફાટ, ‘કોળિયા કુટાય અને ધોળી ચૂંટાય’ નિવેદનથી કોળી સમાજમાં રોષ
ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો માટે આગામી 7 મેના રોજ મતદાન થવાનું છે ત્યારે એક પછી એક વિવાદ સામે આવી રહ્યા છે. ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલા વિવાદાસ્પદ નિવેદન બાદ શરૂ થયેલું ક્ષત્રિય આંદોલન ભાજપ માટે માથાના દુખાવા સમાન બન્યું છે, ત્યારે હવે કોળી સમાજે ભાજપ સામે બાયો ચઢાવી છે. મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા કરાયેલ ટિપ્પણીને લઈને કોળી સમાજમાં રોષ ભભૂકી રહ્યો છે.
વલસાડમાં કનુ દેસાઇના કોળી પટેલ પરના વિવાદિત નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે અને કનુભાઇ દેસાઇ જો માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે. કોળી સમાજ વિશે કનુ દેસાઇએ કરેલી વિવાદિત ટિપ્પણી બાદ કોંગ્રેસ આકરાપાણીએ જોવા મળી રહી છે. વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલે કનુ દેસાઇ પર પ્રહાર કર્યો. શૈલેષ પટેલે કહ્યું કે, મંત્રી થઇને કનુભાઇને આવા નિવેદનો શોભતા નથી. તેઓએ પડકાર ફેંક્યો કે જો, “કોળી અને ધોળી જો એક થઇ જશે તો ભાજપ ક્યાંયનું નહીં રહે”.
આપણ વાંચો: ક્ષત્રિય આંદોલન વચ્ચે, ગુજરાતના 45 રાજવીઓએ PM નરેન્દ્ર મોદીનું કર્યું સમર્થન
નાણા મંત્રી કનુ દેસાઇએ કોળી સમાજને લઇને ટિપ્પણી કરી હતી જેનો વિરોધ થઇ રહ્યો છે. અખિલ ભારતીય કોળી સમાજના ઉપ પ્રમુખ પ્રવિણ સોલંકીએ કહ્યું કે, નાણા મંત્રી દરજ્જાના વ્યક્તિ આ રીતનો વાણી વિલાસ કરે તો કોળી સમાજ કોઇ દિવસ સાથે નહીં રહે. આ ટિપ્પણીનું પરિણામ કનુભાઇએ ભોગવવુ પડશે. બધા સમાજ માટે આવા બફાટ થાય છે તો ભાજપ હાઇકમાન્ડ ચૂપ કેમ છે? આ મોટા દરજ્જાના નેતાઓ બફાટ કરે છે તેને ભુલ ન કહેવાય. આ સાથે જ અખિલ ભારતીય કોળી સમાજના ઉપ પ્રમુખે કહ્યું કે, કનુભાઇએ રાજીનામું આપવું જ પડશે ત્યાં સુધી કોળી સમાજ માફ નહિં કરે.”
નાણામંત્રી કનુ દેસાઇએ તો થોડા દિવસ અગાઉ ચૂંટણી પ્રચાર દરમિયાન કોળી સમાજને લઇને વિવાદિત નિવેદન આપ્યું હતું. કનુ દેસાઈએ કહ્યુ હતું કે ‘કોળિયા કુટાય અને ધોળી ચૂંટાય’ આ નિવેદન બાદ વિવાદ થયો છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ આક્ષેપ કર્યો કે ભાજપના નેતાઓ બેફામ વાણીવિલાસ કરતા હોય છે. કનુ દેસાઈએ કોળી જ્ઞાતિનું અપમાન કર્યુ હોવાનો શક્તિસિંહે આક્ષેપ કર્યો અને ભાજપના નેતાઓ પણ મૌન બની ખેલ જોતા રહે છે.