હવે પાટણમાં ભાજપના ઉમેદવાર સામે રોષ, ભરતસિંહ ડાભીના ફોટા સાથે પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ

ગુજરાતની તમામ 26 લોકસભાની સીટો માટે ભાજપે ઉમેદવારો જાહેર કર્યા છે, જો કે કેટલીક સીટો એવી છે જ્યાં પાર્ટીએ પસંદ કરેલા ઉમેદવારો સામે સ્થાનિક લોકો ઉપરાંત કાર્યક્રરોમાં રોષ છે. જેમ કે વડોદરા, સાંબરકાંઠા, પોરબંદર સીટ પર ભાજપના ઉમેદવારો સામે પોસ્ટર વોર શરૂ થયું છે, તે જ રીતે પાટણ સીટ પર ભાજપના ઉમેદવાર ભરત સિંહ ડાભી સામે જનાક્રોસ જોવા મળ્યો છે. પાટણ લોકસભાના ભાજપના ઉમેદવાર ભરત સિંહ ડાભીની સામે પાટણના જ એક યુવાને સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ કરી છૅ, જેના કારણે ભાજપની હાલત કફોડી બની છે.
પાટણ લોકસભા ચૂંટણી અગામી સમયમાં યોજાનાર છૅ ત્યારે હવે મતદારોનો રોષ સામે આવી રહ્યો છે, સોશિયલ મીડિયા દ્વારા મતદારો રોષ ઠાલવી રહ્યા છે. ભરત સિંહ ડાભીનો ફોટો મૂકી પાંચ વર્ષથી ખોવાયેલ કાકા મળી ગયા છે તેવું લખાણ સાથેની પોસ્ટ વાયરલ કરતા ભારે ચર્ચાનો વિષય બનવા પામ્યું છૅ. સ્થાનિકોના જણાવ્યા મુજબ વર્ષ 2019માં લોકસભાની ચૂંટણીમાં ભરત સિંહ ડાભી પ્રચાર કરતા જોવા મળ્યા હતા અને હવે 2024માં જોવા મળ્યા છૅ.
આપણ વાંચો: ગુજરાત લોકસભા ચૂંટણીઃ પોરબંદરમાં માંડવિયા Vs વસોયા, કોણ બાજી મારશે?
પાટણ જિલ્લાના લોકોએ રોષ ઠાલવતા કહ્યું હતું કે વર્ષ 2019 લોકસભા ચૂંટણી જીત્યા બાદ સાંસદ બનેલા ભરતસિંહ ડાભી ત્યાર બાદ ક્યારેય લોકો વચ્ચે ગયા નથી. પાટણના જે વિકાસલક્ષી કામો જેવા કે જુના બસ સ્ટેન્ડનું નવીનીકરણ થઇ રહ્યું છે પણ તે કામ હજુ પૂર્ણ થયું નથી, રાણકી વાવની આજુ બાજુ ટુરિસ્ટ માટે રહેવા માટે કોઈ સગવડ ઉભી કરવામાં આવી નથી. આ વિસ્તારમાં રોજગારીનો મોટો પ્રશ્ન છૅ અને આ રોજગારી સ્થાનિક વિસ્તારમાં ન મળતા બહાર જવું પડે છે તો રોજગારી માટે કોઈ કામ કરવામાં આવ્યું નથી તો ખેડૂતોને પણ કોઈ સહાય મળી નથી.
બીજુ કે હવે પાટણમાં ભાજપના ઉમેદવાર સામે પાટીદાર સમાજ પણ મેદાને આવ્યો છે અને ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીને હરાવવા માટે મોરચો ખોલી દીધો છે. પાટણમાં પાટીદાર સમાજના સંમેલનનો એક વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં પાસના આગેવાન સતિષ પટેલ બોલતા દેખાઈ રહ્યા છે. તેઓ પાટીદાર અનામત આંદોલન વખતે કરેલા કેસનો બદલો લેવાની વાત કરી રહ્યા છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં પાસના આગેવાન સતિષ પટેલ હોદ્દેદારોને શપથ લેવાડાવી રહ્યા છે કે, ‘મા ઉમાના સોગંદ ખાઈને કહું છું કે 2015માં આ લોકોએ અમારા પર જે અત્યાચાર કર્યો હતો, તેનો હજુ અમે બદલો નથી લઈ શક્યા, પણ પાટણમાં જંગી બહુમતથી જીતાડી લોકસભામાં ચંદનજીને મોકલીને આપણે બદલો લઈશું. ઉલ્લેખનિય છે કે ગુજરાતમાં ભાજપ વિરુદ્ધ એક બાદ એક નારાજગી સામે આવી રહી છે. રાજકોટ સીટ પર ભાજપના ઉમેદવાર પુરષોત્તમ રૂપાલાના એક નિવેદનથી ક્ષત્રિય સમાજે પણ ભાજપ સામે મોરચો માંડ્યો છે.