હવે આંગણવાડીના વર્કરો આંદોલનના માર્ગે
આજરોજ રાજકોટ કલેકટર ઓફિસ ખાતે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન ના આંગણવાડી વર્કરોએ કલેકટરને આવેદનપત્ર પાઠવી અને અમુક માગણીઓ રજૂ કરી હતી. આંગણવાડી વર્કરોની માગણી અનુસાર કેન્દ્ર સરકારે 2018 પછી માનદવેતનમાં વધારો કરેલ નથી.હાલ હેલ્પરનું વેતન માત્ર 5500 રૂપિયા છે.
તેમની માગણી મુજબ માનદવેતન નહીં પરંતુ લઘુત્તમ વેતન ધારા નીચે તેમને આવરી લેવામાં આવે .ઉપરાંત સરકાર એ કહ્યું હોય અને ખર્ચ કર્યો હોય તેવા નહીં ચૂકવાયેલા બિલ, નવા મોબાઈલ આપવાની સરકારની વાત, પ્રમોશન તેમજ નિવૃત્તિ વય મર્યાદા નક્કી કરવા સહિતના પ્રશ્નો બાબતે આજે આંગણવાડી વર્કર અને હેલ્પરો મોટી સંખ્યામાં કલેક્ટર સમક્ષ રજૂઆત કરવા પહોંચ્યા હતા.
હાલ કુપોષણ ક્ષેત્ર કાર્યશીલ એવી ગુજરાતની 53 હજાર આંગણવાડી છેલ્લા સાત માસથી નજીવા પગારમાંથી બાળકોને નાસ્તાના ખર્ચ કરે છે.જે સરકાર તરફથી ચૂકવાતા નથી.ગેસના બાટલાના,મકાન ભાડાના, મંગળ દિવસની ઉજવણીના બિલ બે વર્ષથી ચૂકવ્યા નથી. ઉપરાંત સરકારી કામગીરી મોબાઇલમાં કરવાની હોય સરકારે જે તે સમયે આંગણવાડીમાં મોબાઇલ આપવાની વાત કરી હતી જે પૂરી થઈ નથી.
જરૂરિયાતની વસ્તુઓ માટેની ફ્લેક્સી ફંડની રકમ બે વર્ષથી ચૂકવાઇ નથી.2022 ના સપ્ટેમ્બર ચૂંટણી સમયે કેબિનેટ મંત્રી હર્ષ સંઘવી,જીતુ વાઘાણી,ઋષિકેશ પટેલ, અગ્ર સચિવ કૈલાશ નાથન, સચિવ કે કે નિરાલા વિગેરેની હાજરીમાં તમામ રજૂઆતો થઈ હતી.ત્યારે ચૂંટણીને ધ્યાનમાં રાખી અને પ્રશ્ન ઉકાઈ જશે તેવી ખાતરી આપી હતી. પરંતુ આજ દિવસ સુધી એક પણ પ્રશ્નનું નિરાકરણ થયું નથી. આથી ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન સમગ્ર રાજ્યમાં આંદોલનના માર્ગે ચડી છે.