હજ નિરિક્ષક બનવા માગતા હો તો અરજી કરો, બે દિવસ પછી નહીં થાય...
આપણું ગુજરાત

હજ નિરિક્ષક બનવા માગતા હો તો અરજી કરો, બે દિવસ પછી નહીં થાય…

ગાંધીનગરઃ મુસ્લિમો માટે ખૂબ જ પવિત્ર માનવામાં આવતી હજયાત્રા માટે નિરિક્ષક નિમવાની પ્રક્રિયા સરકારે શરૂ કરી છે. આ માટેની અરજી કરવાની છેલ્લી તારીખ નજીક આવી ગઈ છે ત્યારે જો તમે ઈચ્છુક હોવ તો આ ખબર ખાસ તમારી માટે છે.

ગુજરાત રાજ્ય હજ સમિતિ, સામાન્ય વહીવટ વિભાગ દ્વારા હજ-૨૦૨૬ માટે રાજ્ય હજ નિરીક્ષક તરીકે સેવા આપવા ઈચ્છુક રાજ્ય સરકારના કર્મચારીઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા ગત તા. ૧૫ ઓક્ટોબર,૨૦૨૫થી અરજી સ્વીકારવાની શરુ કરી છે.

ઓનલાઈન અરજી સ્વીકારવાની પ્રક્રિયા હવે માત્ર બે દિવસ એટલે કે, તા. ૦૩ નવેમ્બર,૨૦૨૫ સુધી તેમજ ઓફલાઈન અરજી સ્વીકારવાની પ્રક્રિયા હવે માત્ર ચાર દિવસ એટલે કે આગામી તા. ૦૫ નવેમ્બર,૨૦૨૫ સુધી જ કાર્યરત રહેશે.

હજયાત્રીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં રાજ્ય હજ નિરીક્ષકની ભૂમિકા ખૂબ જ મહત્વની છે. પસંદગી પામેલ કર્મચારીઓને હજ કમિટી ઓફ ઈન્ડિયા દ્વારા આશરે બે માસના સમયગાળા માટે સાઉદી અરેબિયા ખાતે ભારતના કોન્સ્યુલેટ જનરલ, જેદ્દાહ હસ્તક ડેપ્યુટેશન પર મૂકવામાં આવશે.

ડેપ્યુટેશનનો આ સમયગાળો ફરજ પર ગણાશે અને પગાર-ભથ્થાં નિયમિતપણે સબંધિત કચેરી દ્વારા ચૂકવવામાં આવશે, તેમ રાજ્ય સરકારે જણાવ્યું છે. સરકારે અરજી કરવા માટે અમુક પાત્રતા નક્કી કરી છે અને નિયમો છે. આ સાથે પસંદગીની પણ એક ખાસ પ્રક્રિયા છે. આ માટે

કઈ રીતે અરજી કરશો?
અરજદારો હજ કમિટિ ઓફ ઇન્ડિયાની વેબસાઈટ http://hajcommittee.gov.in પર રાજ્ય હજ નિરીક્ષક તરીકે તા. ૦૩-૧૧-૨૦૨૫ સુધીમાં અરજી કરી શકશે. હજ કમિટી ઓફ ઈન્ડિયાની અરજી સબમિટ કર્યા બાદ રાજ્ય હજ સમિતિની વેબસાઈટ https://haj.gujarat.gov.in પર ઉપલબ્ધ ઓનલાઈન ફોર્મમાં જરૂરી વિગતો પુરાવા ભરીને ફોર્મ સબમિટ કરવાનું રહેશે. આ ઉપરાંત અરજીની હાર્ડકોપી સંબંધિત વિભાગ ખાતાના વડા/જાહેર સાહસ/આયોગના વડા મારફત સચિવશ્રી, ગુજરાત રાજ્ય હજ સમિતિ, બ્લોક નં ૮, ૮મો માળ, સચિવાલય, ગાંધીનગર ખાતે મોકલવાની રહેશે, તેમ માહિતી ખાતાએ જણાવ્યું છે.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button