સુરત અને રાજકોટને મળ્યા નવા મેયર, સુરતમાં દક્ષેશ માવાણી અને રાજકોટમાં નયના પેઢડિયાને કમાન સોંપાઈ
સુરત અને રાજકોટને નવા મેયર મળ્યા છે. સુરત મહાનગરપાલિકાના 38માં મેયર પદે દક્ષેશ માવાણીની વરણી કરવામાં આવી છે. જયારે રાજકોટમાં મેયર પદ માટે નયનાબેન પેઢડિયાને જાહેર કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, ગઈ કાલે સોમવારે અમદાવાદ અને વડોદરાના નવા મેયરની જાહેરાત કરવામાં આવી હતી.
ભાજપે સુરત મહાનગરપાલિકાના નવા મેયર પદે દક્ષેશ માવાણીને પસંદ કર્યા છે. જ્યારે સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે રાજન પટેલ, દંડક ધર્મેશ વાણયાવાળા, ડેપ્યુટી મેયર તરીકે નરેશ પાટીલ, શાસક પક્ષના નેતા તરીકે શશી ત્રિપાઠીની નિમણૂક કરવામાં આવી છે.
રાજકોટમાં મેયર પદ માટે નયનાબેન પેઢડિયાને જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જયમીન ઠાકરની નિમણૂક કરવામાં આવી છે. નોંધનીય છે કે મેયર પદની રેસમાં છેલ્લે સુધી જ્યોત્સના ટીલાળાનું નામ આગળ હતું. નવા મેયર નયનાબેન પેઢડિયા હાલ વોર્ડ નંબર-4ના કોર્પોરેટર છે અને અગાઉ રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. તેઓ પાર્ટી અને સરકારની ગુડ બુકમાં સ્થાન ધરાવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યની 6 મહાનગરપાલિકા અને 78 પાલિકા ઉપરાંત 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતના અઢી વર્ષ માટે નવા સુકાનીઓની પસંદગી માટે ભાજપે સેન્સ પ્રક્રિયા હાથ ધરી છે.