Gujarat માં જંત્રીના નવા દર આ મહિનાથી થઇ શકે છે લાગુ…

ગુજરાત(Gujarat)સરકારે આવક વધારવા માટે જમીનની સૂચિત જંત્રી દરો જાહેર કર્યા હતા. જેના વિરોધ બાદ સરકારે જંત્રીના દર વધારા માટે સૂચનો મંગાવાની ફરજ પડી હતી. જો કે તેમા સૌથી વધુ વાંધા સૂચનો જંત્રી દર ઓછા કરવા માટે મળ્યા હતા. તેવા સમયે સરકાર હવે નવા જંત્રી દરો લાગુ પાડવામાં વિલંબ કરી શકે છે. રાજ્યમાં જંત્રીના નવા દર અમલી બનતા રિયલ એસ્ટેટ બજારમાં તેજી આવવાની પણ શક્યતા છે. જેના પગલે જંત્રીના અમલમાં વિલંબ કરવામાં આવી રહ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે.
આ પણ વાંચો…સિંહોની સંખ્યા જ એટલી છે કે જંગલ પડે છે નાનુંઃ રહેણાંક વિસ્તારોમાં ઘુસી જવાનું આ છે કારણ…
સુધારેલી નવી જંત્રી એપ્રિલ માસમાં કે તેની બાદ જાહેર કરાશે
ગુજરાત સરકારે જંત્રી દરોને ફરી એકવાર સુધારવા તૈયારી દર્શાવી છે. મળતી માહિતી મુજબ જો બધું સુસંગત રહેશે તો રાજ્ય સરકાર સુધારેલી નવી જંત્રી એપ્રિલ માસમાં જાહેર કરી તેની બાદ નવા જંત્રીના દરો અમલમાં મૂકી શકે છે. નોંધનીય છે કે આગામી નવા સુધારેલા જંત્રી દરો માટે તમામ રિયલ એસ્ટેટ અને રોકાણકારોની નજર રાજ્ય સરકારની જાહેરાત પર ટકી છે.
2025-26ને શહેરી વિકાસ વર્ષ તરીકે જાહેર કર્યું
નવા જંત્રી દરના અમલીકરણને લઈ અંતિમ નિર્ણય બાકી છે. સરકારે 2025-26ને શહેરી વિકાસ વર્ષ તરીકે જાહેર કર્યું છે અને જંત્રી દરોમાં વધારો આયોજિત પ્રોજેક્ટ્સને અસર કરી શકે તેવી પ્રબળ શક્યતા હોવાથી નવા જંત્રી દરનો અમલ મુલતવી રાખી શકે છે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. નવા જંત્રી દરના અમલીકરણને મુલતવી રાખવાનો નિર્ણય આગામી થોડા દિવસોમાં લેવામાં આવશે.
આ પણ વાંચો…ગુજરાત સરકારનો મિલકતના દસ્તાવેજ નોંધણીનો આ નિયમ 1 એપ્રિલથી થશે લાગુ…
રિયલ એસ્ટેટ બજારમાં તેજી
અત્રે ઉલ્લેખનીય છે કે, જમીન અને સ્થાવર મિલકતોના ખરીદ-વેચાણના કરાર માટે રાજ્ય સરકાર દ્વારા નક્કી કરાયેલા લઘુતમ મૂલ્યને જંત્રી દર કહેવાય છે. સરકાર દ્વારા વસૂલવામાં આવતી સ્ટેમ્પ ડ્યુટી અને રજીસ્ટ્રેશન ફી પણ જંત્રીના આધારે નક્કી થાય છે. એટલે કે, જો સરકાર નવા દરોમાં વધારો કરે, તો જમીન ખરીદતા લોકો પર ટેક્સનો વધુ બોજ પડશે. રાજ્યમાં છેલ્લા કેટલાક વર્ષોમાં રિયલ એસ્ટેટ બજારમાં તેજી જોવા મળી છે.