ગુજરાતમાં લવ મેરેજ એક્ટને લઇને નવો વિવાદ, 32 સમાજોએ આપી આંદોલનની ચીમકી
સુરતના પાસોદરા ખાતે સર્વ સમાજની બેઠકમાં લવ મેરેજના કાયદામાં સુધારો લાવવા અંગે 32 જેટલા સામાજીક અગ્રણીઓએ પોતાનો પ્રસ્તાવ મુક્યો છે. રાજપૂત સમાજ, આહીર સમાજ, પાટીદાર સમાજ, પ્રજાપતિ સમાજ, આદિવાસી સમાજના આગેવાનોએ આ બેઠકમાં ભાગ લઇ સરકાર પાસે લવ મેરેજના કાયદામાં સુધારાની માગ કરી છે.
આ બેઠકમાં એક કમિટીની રચના કરવામાં આવી હતી. જે મુજબ સરકાર સામે કુલ 4 મુદ્દાઓની રજૂઆત કરવામાં આવશે. આ મુદ્દાઓમાં લગ્નોની ગામમાં જ નોંધણી, પોલીસનું વેરિફિકેશન, તલાટીથી લઈ મામલતદાર સુધી ડોક્યુમેન્ટના વેરિફિકેશન તથા લગ્ન માટે માતાપિતાની ફરજીયાત સહીની માંગ કરવામાં આવી છે. જો આ માગણીઓ સરકાર નહી સ્વીકારે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. અગ્રણીઓએ જણાવ્યું હતું કે, દીકરી લગ્ન કરે તેનો નહીં પણ માતા પિતાને જણાવ્યા વિના લગ્ન કરે છે તેનો વાંધો છે.
બેઠક બાદ મીડિયા સાથેની વાતચીતમાં કહેવાયું હતું કે, તાજેતરમાં 4130 જેટલા ખોટા લગ્નો થયા હોવાની ઘટના બની હતી, જેને લઈને ચિંતાનો માહોલ છવાયો છે. બેઠકમાં નક્કી કરવામાં આવેલી કમિટી મુખ્યપ્રધાન અને કાયદાપ્રધાનને મળશે. જો માગણી પૂરી નહિ થાય તો કમિટી નક્કી કરશે એ રીતે આંદોલન કરાશે. 182 ધારાસભ્યોને મળી તેમનું સમર્થન મેળવીશું. 26 સાંસદોને પણ મળી તેમનું સમર્થન લેવાશે જેથી ગાંધીનગર લઈને દિલ્હી સુધી માગ પહોંચાડી શકાય તેવું અગ્રણીઓએ જણાવ્યું હતું.