NEET પરીક્ષા ગેરરીતિ કેસમાં CBI ની ગુજરાતમાં મોટી કાર્યવાહી, જય જલારામ સ્કૂલના ચેરમેનની ધરપકડ

અમદાવાદ : નીટ (NEET)પરીક્ષા ગેરરીતિ અને પેપર લીક કેસમાં ગુજરાતમાં તપાસ કરી રહેલી સીબીઆઇએ મોટી કાર્યવાહી કરી છે. જેમાં સીબીઆઇ છેલ્લા ચાર દિવસથી સક્રિય થઈ હતી અને રાજ્યમાં સાત સ્થળોએ દરોડા પાડયા હતા. તેમજ અનેક સ્થળો તપાસ કરી હતી અને ધરપકડ કરાયેલા લોકોની ઊલટ તપાસ પણ કરી હતી. જેની બાદ સીબીઆઇએ જય જલારામ સ્કૂલના ચેરમેન અને માલિક દીક્ષિત પટેલની ધરપકડ કરી છે.
ગોધરાની જય જલારામ સ્કૂલમાં પરીક્ષાનું આયોજન
દિક્ષિત પટેલની તેમના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. રાજ્ય સરકારે આ કેસની તપાસ CBIને સોંપી છે. દિક્ષિત પટેલને અમદાવાદ કોર્ટમાં રિમાન્ડ માટે લઈ જવામાં આવશે. દિક્ષિત પટેલ પંચમહાલ જિલ્લાના ગોધરા નજીક આવેલી જય જલારામ સ્કૂલના માલિક છે. આ શાળામાં NEET-UG પરીક્ષાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો…
‘વિદ્યાર્થીઓને NEETમાંથી મુક્તિ આપવામાં આવે’ MK સ્ટાલિને PM મોદી, 8 મુખ્ય પ્રધાનને પત્ર લખ્યો
વિદ્યાર્થીઓ પાસેથી પૈસા લઈને પરીક્ષા પાસ કરાવવાનું કૌભાંડ
અગાઉ 27મી જૂને સીબીઆઈએ NEET-UG પરીક્ષામાં ગેરરીતિના મામલામાં દિક્ષિત પટેલની પૂછપરછ કરી હતી. સીબીઆઈએ કેટલાક વિદ્યાર્થીઓના પરિવારજનોના નિવેદન પણ નોંધ્યા હતા. આ કેસમાં જય જલારામ સ્કૂલના પ્રિન્સિપાલ અને એક શિક્ષકની ધરપકડ થઈ ચૂકી છે. NEETમાં ગેરરીતિઓ માટે ગુજરાતમાંથી પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચુકી છે. પોલીસના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થીઓ પાસેથી પૈસા લઈને NEET પરીક્ષા પાસ કરાવવાનું કૌભાંડ ચાલી રહ્યું હતું.
ગુજરાતમાંથી હવે કુલ છ આરોપીઓની ધરપકડ
ઉલ્લેખનીય છે કે NEET-UG પરીક્ષા 5મી મેના રોજ દેશભરમાં લેવામાં આવી હતી. જય જલારામ શાળામાં પરીક્ષા કેન્દ્ર પણ બનાવવામાં આવ્યું હતું. દિક્ષિત પટેલ પર પરીક્ષા પાસ કરવામાં મદદ કરવા માટે ઉમેદવારો પાસેથી રૂ. 10 લાખની માંગ કરવાનો આરોપ છે. NEET-UG પરીક્ષામાં ગેરરીતિના આરોપસર ગુજરાતમાંથી હવે કુલ છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.