NEET પરિક્ષામાં ગેરરિતીઓ રોકવા રાજ્ય-કેન્દ્ર સરકાર પ્રયત્નશીલ
દોષીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી શરૂઃ અજિત પવાર
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાનું ચોમાસું સત્ર ચાલી રહ્યું છે તેમાં નીટ પરિક્ષા મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે ત્યારે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે નીટ પરિક્ષામાં થયેલી ગેરરિતીઓ રોકવા માટે સરકારે લીધેલા પગલા સહિતની માહિતી વિધાનસભામાં આપી હતી.
આ પણ વાંચો: NEET Paper Leak કેસમાં CBI ની મોટી કાર્યવાહી, Gujarat માં 7 સ્થળોએ દરોડા, પત્રકારની પણ ધરપકડ
પવારે નીટ પરિક્ષા મુદ્દે માહિતી આપતા જણાવ્યું હતું કે મેડિકલ અભ્યાસક્રમની પ્રવેશ પરિક્ષા નીટમાં કેરરિતીની કેન્દ્ર અને રાજ્ય સરકારે ગંભીર નોંધ લીધી છે અને વિવિધ સરકારી એજન્સીઓ દ્વારા દોષીઓ વિરુદ્ધ કાર્યવાહી કરીને તેમની ધરપકડ પણ કરવામાં આવી છે. ભવિષ્યમાં આવી ઘટનાન બને એ માટે કેન્દ્ર સરકારે અધ્યાદેશ બહાર પાડ્યો છે, જેમાં દોષીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી ઉપરાંત મોટો દંડની પણ જોગવાઇ કરવામાં આવી છે. આ ઉપરાંત મેડિકલ એન્ટ્રેન્સ એક્ઝામની જવાબદારી પહેલાની જેમ જ રાજ્યોને સોંપવાનો વિચાર પણ કરવામાં આવી રહ્યો છે. પરિક્ષા આપનારા વિદ્યાર્થીઓને કોઇપણ પ્રકારનું નુકસાન ન થાય એ માટે રાજ્ય સરકાર બાધ્ય હોઇ વિરોધ પક્ષોએ આપેલા સૂચનો વિશે પણ સકારાત્મક વિચાર કરવામાં આવશે, એમ પવારે જણાવ્યું હતું. આ પરિક્ષા ભ્રષ્ટાચાર મુક્ત અને પારદર્શક રીતે યોજાય તેની ખાતરી કરવામાં આવશે તેવું આશ્વાસન પણ પવારે આપ્યું હતું.
આ પણ વાંચો: ‘વિદ્યાર્થીઓને NEETમાંથી મુક્તિ આપવામાં આવે’ MK સ્ટાલિને PM મોદી, 8 મુખ્ય પ્રધાનને પત્ર લખ્યો
પેપર ફૂટે એની વિરુદ્ધ કડક કાયદો ક્યારેઃ વિપક્ષનો સવાલ
નીટ પેપર વિવાદ મુદ્દે સરકારને ઘેરતા વિપક્ષે સરકારને અનેક સવાલ વિધાનસભામાં કર્યા હતા. મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ સરકારને સવાલ પૂછતા જણાવ્યું હતું કે નીટનું પેપર ફૂટ્યું એ પ્રકરણે લાતૂરમાંથી પણ કેટલાકની અટક કરવામાં આવી છે. આ એક ગંભીર બાબતો હોઇ સેંકડો વિદ્યાર્થીઓ સાથે અન્યાય થઇ રહ્યો છે. આવી ઘટના રોકવા માટે
રાજ્ય સરકાર પેપર લીકની ઘટના વિરુદ્ધ કડક કાયદો લાવશે કે શું?
પટોલેએ નાસિકની એક ઘટનાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે નાસિકમાં અમુક પરપ્રાંતિય યુવકોએ અપંગ હોવાનું બનાવટી પ્રમાણપત્ર બનાવીને પરિક્ષા આપી હતી. એક બાજુ પેપર લીકની ઘટના અને બીજી બાજુ બોગસ વિદ્યાર્થીઓ આ પરિક્ષાનો લાભ લઇ રહ્યા છે. આ બધી ઘટના પ્રામાણિક વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત સમાન છે. તેમના માતા-પિતાના પૈસા પણ બરબાદ થાય છે.