આપણું ગુજરાતટોપ ન્યૂઝ

એનસીપી પ્રમુખ શરદ પવારે અમદાવાદમાં ગૌતમ અદાણીને મળ્યા, રાજકારણ ગરમાયું

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના વડા શરદ પવારે શનિવારે અમદાવાદમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની ઓફિસ અને નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી. આ પહેલા શરદ પવાર અને ગૌતમ અદાણીએ અમદાવાદ પાસેના સાણંદના એક ગામમાં ફેક્ટરીનું ઉદ્ઘાટન કર્યું હતું.

શરદ પવારે એક્સ પર પોતાની અને અદાણીની ફેક્ટરીની રિબન કાપતી તસવીરો પોસ્ટ કરી હતી. તેમણે પોસ્ટમાં લખ્યું કે, ગુજરાતમાં વાસણા, ચાચરવાડી ખાતે ભારતના પ્રથમ ‘લેક્ટોફેરિન પ્લાન્ટ એક્ઝિમપાવર’નું શ્રી ગૌતમ અદાણી સાથે ઉદ્ઘાટન કરવું એ સૌભાગ્યની વાત છે.

ઉલ્લેખનીય છે કે વિપક્ષી પાર્ટીઓનું ‘ઇન્ડિયા’ ગઠબંધન જેનો એનસીપી મહત્વનો ભાગ છે, એ સતત હિંડનબર્ગના રીપોર્ટ આધારે અદાણી જૂથની તપાસ કરવા સંયુક્ત સંસદીય સમિતિ બનાવવા માંગ કરી રહ્યું છે. રાહુલ ગાંધી સંસદમાં પણ અનેક વાર વડા પ્રધાન મોદીના ગૌતમ અદાણી વચ્ચે સાંઠગાંઠ હોવાના આરોપો લગાવી ચુક્યા છે. વિપક્ષી પક્ષોનું ગઠબંધન ‘ઇન્ડિયા’ ભાજપ સામે એક થઈને લોકસભા ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યું છે ત્યારે અદાણી અને પવારની આ મુલાકાત વધુ મહત્વની બની જાય છે.

એનસીપી પ્રમુખ શરદ પવાર વિપક્ષી ગઠબંધન ‘ઇન્ડિયા’ના મુખ્ય નેતાઓમાંના એક છે અને મુંબઈમાં યોજાયેલી છેલ્લી બેઠકના આયોજક પણ હતા. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ શરદ પવાર દ્વારા શેર કરેલી તસવીરો અંગે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે આ તસવીર હજારો શબ્દો કહી જાય છે, પરંતુ રાહુલ ગાંધી તેને સાંભળવા ઈચ્છે તો ને! પૂનાવાલાએ કહ્યું કે વિપક્ષી ગઠબંધનમાં રાહુલ ગાંધીને કોઈ ગંભીરતાથી લેતું નથી.

આ પહેલીવાર નથી જ્યારે શરદ પવારની ગૌતમ અદાણી વચ્ચે સંબંધો ચર્ચામાં હોય. આ વર્ષની શરૂઆતમાં એક મુલાકાતમાં, શરદ પવારે અદાણી જૂથ સામેના આરોપોની તપાસ માટે સંયુક્ત સંસદીય સમિતિ બનાવવા અંગે વિપક્ષની માંગનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે તેઓ સુપ્રીમ કોર્ટ દ્વારા દેખરેખ હેઠળની સમિતિને સમર્થન આપશે.

શરદ પવારે તેમની આત્મકથા ‘લોક માજે સંગાતિ’માં ગૌતમ અદાણીને મહેનતુ, સરળ અને ડાઉન ટુ અર્થ વ્યક્તિ ગણાવ્યા છે. આત્મકથામાં કહેવામાં આવ્યું છે કે ગૌતમ અદાણીએ શરદ પવારના આગ્રહ પર જ થર્મલ પાવર સેક્ટરમાં પ્રવેશ કર્યો હતો. પવારે તેમના પુસ્તકમાં લખ્યું છે કે કેવી રીતે અદાણીએ શૂન્યથી શરૂઆત કરીને પોતાનું કોર્પોરેટ સામ્રાજ્ય બનાવ્યું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button