નવરાત્રિના પહેલા નોરતે અમદાવાદમાં 800થી વધુ ફોરવ્હીલર અને 2000થી વધારે ટુ વ્હીલર વેચાયા

અમદાવાદઃ કેન્દ્ર સરકારની જીએસટી ઘટાડાની ભેટ ઓટો ઇન્ડસ્ટ્રીમાં નવું આશાનું કિરણ જાગ્યું છે. અત્યારે વાહનોની ખરીદીમાં ઉછાળો આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે. આજે પહેલું નોરતું છે. જીએસટીના ઘટાડાના અમલીકરણથી લોકોને રાહત થઈ છે. ખાસ કરીને ઓટો મોબાઈલમાં જીએસટી ઘટાડો થતા અત્યારે દિવાળી જેવા માહોલ ઓટો ડીલરને ત્યાં જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં લોકોએ વાહનોની ખરીદી કરી છે.
જીએસટીમાં ઘટાડો થયા બાગ ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીમાં તેજી
આજે સવારથી જ શહેરના વિવિધ શો રૂમમાં નવું વ્હીકલ ખરીદવા માટે લોકોનો ધસારો જોવા મળ્યો હતો. પહેલા નોરતે અમદાવાદ શહેરમાં 800થી વધુ ફોર વ્હીલર અને 2000થી વધારે ટુ વ્હીલરનું વેચાણ થયું હતું. સરકાર દ્વારા જીએસટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે તેના કારણે ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીમાં તેજી આવી હોવાનું જણાઈ રહ્યું છે. ટુ વ્હીલરમાં 8000 રૂપિયાથી લઈને 15000 રૂપિયા સુધીનો ઘટાડો થયો છે, તો ફોર વ્હીલરમાં પણ 55 હજાર રૂપિયાથી લઈને અઢી લાખ રૂપિયા સુધીનો ફાયદો ગ્રાહકોને મળી રહ્યો છે.
નવરાત્રિ દરમિયાન વાહનોના વેચાણમાં 30 ટકાનો ઉછાળો
ગુજરાતની વાત કરવામાં આવે તો, આજે અંદાજિત 2500 અને 8000 થી પણ વધારે ટુ-વ્હીલરનું વેચાણ થયું હતું. આગામી 10 દિવસ દરમિયાન અમદાવાદ શહેરમાં 4000 કાર અને 15,000થી વધુ ટુવિલર જ્યારે રાજ્યભરમાં 25,000થી વધુ કાર અને એક લાખથી પણ વધારે ટુવિલર્સનું વેચાણ થવાનું હોવાનું જાણવા મળ્યું છે. જીએસટીના નવા સ્લેબના અમલીકરણને પગલે નવરાત્રિ દરમિયાન વાહનોના વેચાણમાં 30 ટકાનો ઉછાળો આવવાની સંભાવના ઓટો મોબાઈલ ડીલરોએ કરી છે.