ભરૂચમાં I.N.D.I.A. ગઠબંધનના ઉમેદવારના પ્રચારથી દૂર રહેવાની બાબતે મુમતાઝ પટેલે આપ્યો આ જવાબ
![](/wp-content/uploads/2024/05/nlkllk5_mumtaz-patel_625x300_24_February_24-780x470.png)
ભરુચઃ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ભરૂચના વતની સ્વ. અહમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલ ભરૂચમાં I.N.D.I.A. ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાના પ્રચારથી દૂર રહ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે. જો કે મુમતાઝ પટેલ કોંગ્રેસના ઉમેદવાર માટે પ્રચાર કરી રહ્યા છે.
આ અંગે એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે ભરૂચમાં પ્રચાર નહિ કરવા અંગે જણાવ્યું કે ભરૂચ મારુ ધર છે અને હું ગઈકાલે પણ ત્યાં હતી. પરંતુ પ્રચારની વાત હોય ત્યાં સુધી કોઈએ મને કહ્યું નથી.
હું ક્યાં પ્રચાર કરું. આંદામાનના ઉમેદવારે બોલાવ્યા, દમણના ઉમેદવારે બોલાવ્યા, ગઈકાલે ભુજમાં મીટિંગમાં કરી અને હવે વિવિધ જગ્યાએ મીટિંગમાં પણ કરવાની છે. જ્યારે ફોન કરવામાં આવશે અને સમયપત્રક નક્કી થશે ત્યારે હું ભરૂચમાં પણ ચોક્કસ પ્રચાર કરીશ.
કોંગ્રેસના ઉમેદવારો દ્વારા સુરત અને ઈન્દોરમાં નામાંકન પરત ખેંચવાના પ્રશ્ન પર મુમતાઝ પટેલે કહ્યું કે ઉમેદવાર પસંદગી માટે ક્યાંક વધુ સભાન પદ્ધતિ શોધવી જોઈએ. ખાસ કરીને હવે જ્યારે આપણે જોઈએ છીએ કે ઉમેદવારો તૂટી રહ્યા છે.
આ લોકશાહીની હત્યા છે અને ક્યાંક ને ક્યાંક ભાજપ એક દાખલો બેસાડી રહ્યું છે કે જો એક જગ્યાએ કરવામાં આવે તો બે જગ્યાએ કરવામાં આવે તો વધુ જગ્યાએ કરવામાં આવે તો આખું પરિણામ બદલી શકાય છે. તેથી, આપણે વધુ સજાગ રહેવું પડશે અને યોગ્ય ઉમેદવારોની પસંદગી કરવી પડશે.