મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન: રેલવે પ્રધાને જણાવ્યું કે પ્રોજેક્ટનું કામ કેટલે પહોંચ્યું
અમદાવાદ: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન માટેના નિર્માણકાર્ય અંગે ગુરુવારે રેલાવે પ્રધાને મહત્વનું અપડેટ આપ્યું હતું. તેમણે જણાવ્યું કે નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) એ મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોર પ્રોજેક્ટમાં 100 કિમી વાયાડક્ટ અને 250 કિમી પિયર વર્ક સફળતાપૂર્વક પૂર્ણ કરીને વધુ એક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. વાયડક્ટ એ એલિવેટેડ રોડ અથવા રેલ્વે લાઇન માટે ઊંચા ટાવર્સની કમાનોથી બનેલું લાંબા પુલ જેવું માળખું છે.
રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવના જણાવ્યા અનુસાર, 21 નવેમ્બર 2023 સુધી 251.40 કિમીના પીલર્સ ઉભા કરી દેવામાં આવ્યા છે. એલિવેટેડ સુપર સ્ટ્રક્ચર 103.24 કિલોમીટર સુધી પૂર્ણ થઇ ગયું છે. બંધાયેલા પુલ પર સાઉન્ડ બેરિયર લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં 6 નદીઓ પરના પુલનો સમાવેશ થાય છે. જાપાનીઝ શિંકનસેનમાં ઉપયોગમાં લેવાતી MAHSR કોરિડોર ટ્રેક સિસ્ટમ માટે પ્રથમ રિઇનફોર્સ્ડ કોંક્રીટ (RC) ટ્રેક બેડ નાખવાનું કામ પણ સુરતમાં શરૂ થયું છે. ભારતમાં પહેલીવાર જે-સ્લેબ બેલાસ્ટલેસ ટ્રેક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
તેમજ ગુજરાતના વલસાડ જિલ્લામાં 350 મીટરની પ્રથમ પહાડી ટનલનું ડિમોલિશનનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે અને ગુજરાતના સુરત જિલ્લામાં 70 મીટર લંબાઈનો પ્રથમ સ્ટીલ બ્રિજ બનાવવામાં આવ્યો છે. 28 સ્ટીલ બ્રિજમાંથી આ પહેલો છે જે MAHSR કોરિડોરનો ભાગ હશે. NHSRCL એ આ વર્ષે ઓક્ટોબરમાં સુરત ખાતે નેશનલ હાઈવે 53 પર 70 મીટર લાંબા પ્રથમ સ્ટીલ બ્રિજનું સફળતાપૂર્વક નિર્માણ કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના તત્કાલિન વડાપ્રધાન શિન્ઝો આબેએ 14 સપ્ટેમ્બર, 2017ના રોજ અમદાવાદ ખાતે આ પ્રોજેક્ટ લોન્ચ કર્યો હતો. ભારતમાં હાઈ-સ્પીડ રેલ કોરિડોરના બાંધકામ, ધિરાણ, જાળવણી અને સંચાલનના હેતુ માટે નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) ની 12 ફેબ્રુઆરી 2016ના રોજ કંપની એક્ટ, 2013 હેઠળ સ્થાપના કરવામાં આવી હતી.