આપણું ગુજરાતટોપ ન્યૂઝ

ગંભીર બેદરકારી: GTUના ક્લાઉડ સ્ટોરેજ પર એમપીની યુનિવર્સીટીએ પોતાનો ડેટા ડમ્પ કરી દીધો

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી(GTU)માંથી ઘોર બેદરકારીનો વધુ એક કિસ્સો બહાર આવ્યો છે. એક ચોંકાવનારા ઘટસ્ફોટમાં જાણવા મળ્યું કે મધ્યપ્રદેશની એક સરકારી યુનિવર્સિટીએ તેની વેબસાઇટનો ડેટા GTUનાક્લાઉડ સ્ટોરેજમાં ડમ્પ કરી દીધો હતો. GTU વિદ્યાર્થીઓ અને તેની સાથે જોડાયેલી સંસ્થાઓની સંખ્યાની દ્રષ્ટિએ રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટી છે, યુનિવર્સીટી મેનેજમેન્ટની આ બેદરકારી ગંભીર પરિણામો નોતરી શકે છે.

અહેવાલો અનુસાર યુનિવર્સીટીના ઇન્ફોર્મેશન ટેકનોલોજી(IT) વિભાગે આ બાબતે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે GTUના અગાઉના કર્મચારી કે જેઓ એમપીના સાગર શહેરમાં આવેલી ડૉ. હરિસિંહ ગૌર વિશ્વવિદ્યાલય(DHSGSU) સાથે જોડાયા હતા, તેમની પાસે GTUની ક્લાઉડ સ્પેસનો પાસવર્ડ હતો અને તેમણે તેનો ઉપયોગ DHSGSU યુનિવર્સિટીની વેબસાઇટનો ડેટા જીટીયુની ક્લાઉડ સ્પેસ પર સ્ટોર કરવા માટે કર્યો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ જીટીયુએ તેનો તમામ ડેટા ક્લાઉડ સ્પેસ પર સ્ટોર કર્યો છે, જેમાં નાણાકીય માહિતી, લગભગ 5 લાખ વિદ્યાર્થીઓ અને જીટીયુ સાથે જોડાયેલી સંસ્થાઓના ડેટાનો સમાવેશ થાય છે. આ તમામ ડેટા સુધી એમપી યુનિવર્સિટીના કર્મચારીઓની પહોંચ હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે આ ઘટના માટે સાયબર ક્રાઈમ ગુનો બને છે, છતાં GTUએ કોઈ કાયદાકીય કાર્યવાહી કરી નથી પરંતુ એમપીની યુનિવર્સિટીના વહીવટીતંત્રને પત્ર લખી કામ ચલાવ્યું હતું. GTUના અધિકારીએ જણાવ્યું હતું કે અમે સાગર યુનિવર્સિટી એડમિનિસ્ટ્રેશનને પત્ર લખીને તેમની વેબસાઇટનો ડેટા અમારી ક્લાઉડ સ્પેસ પર ડમ્પ કરવાની ફરિયાદ કરી છે. પાસવર્ડ પણ બદલી નાખવામાં આવ્યો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે યુનિવર્સિટીના આઇટી વિભાગને જાણ હતી કે જે કર્મચારીએ યુનિવર્સિટી છોડી દીધી હતી તેની પાસે ક્લાઉડ સ્પેસના પાસવર્ડનું ઍક્સેસ હતું. ઉપરાંત, તેઓ જાણતા હતા કે GTUની તમામ ગોપનીય માહિતી તેના ક્લાઉડ સ્ટોરેજમાં સંગ્રહિત છે. આમ છતાં કર્મચારી જીટીયુ છોડ્યા બાદ આઈટી વિભાગે પાસવર્ડ બદલ્યો ન હતો. ક્લાઉડ સ્પેસ માટે યુનિવર્સિટીએ નોંધપાત્ર રકમ ખર્ચી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button