ગુજરાતમાં ચોમાસાનો ધમાકેદાર પ્રારંભ: 227 તાલુકામાં વરસાદ, 11 ડેમ હાઈ એલર્ટ

અમદાવાદ: ઉનાળાની ભારે ગરમી અને ઉકળાટ બાદ અંતે ચોમાસાનું ગુજરાતમાં આગમન થયું છે. રાજ્યામાં ઠેર ઠેર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, કચ્છ અને મધ્ય ગુજરાતના ઘણા ભાગોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. લાંબા સમયથી રાહ જોઈ રહેલા ખેડૂતોમાં મેઘરાજાના આગમનથી હરખની હેલી છવાઈ છે, જ્યારે રાજ્યના વિવિધ જળાશયોમાં નવા નીરની આવક વધતા પાણીની સમસ્યા દૂર થઈ શકે.
જળાશયોમાં નવા નીરનું આગમન
છેલ્લા 24 કલાકમાં 227 તાલુકામાં ભારે વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ બોટાદના બરવાળામાં 7 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે સુરેન્દ્રનગરમાં સાયલામાં 6.3 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ગુજરાતમાં સામાન્ય વરસાદે પણ નદી નાળાઓને છલકાવી દીધા છે. અને રાજ્યના ડેમોમાં નવા પાણીની આવક શરૂ થઈ છે. ગુજરાતમાં જળાશયોની હાલની પરિસ્થિતી પ્રમાણે, 11 ડેમ હાઇ એલર્ટ પર છે, 13 ડેમ એલર્ટ પર અને 10 ડેમ વોર્નિંગ પર છે, જે દર્શાવે છે કે જળસંગ્રહની સ્થિતિ ઝડપથી સુધરી રહી છે.

વરસાદે પાણીની અછત ઘટાડી
સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ 172,267 MCFT પાણીનો સંગ્રહ છે, જે તેની કુલ ક્ષમતાના 51.56 ટકા છે. રાજ્યના 206 ડેમોમાંથી 9 ડેમ 100 ટકા ભરાઈ ગયા છે, 25 ડેમ 70-100 ટકાની વચ્ચે 22 ડેમ 50-70 ટકા વચ્ચે, 55 ડેમ 25-50 ટકા વચ્ચે અને 95 ડેમ 25%થી ઓછા ભરાયેલા છે. આ વરસાદે પાણીની અછતની સમસ્યાને ઘણી હદે ઘટાડી છે.
આ પણ વાંચો - અમદાવાદમાં ચેક રિટર્નના કેસનો નિકાલ ઝડપથી થશે; હાઇકોર્ટે ચાર નવી કોર્ટ શરુ કરી
પાણીની સમસ્યામાં ઘટાડો થશે
આ ચોમાસાના આગમનથી ખેતી માટે અનુકૂળ વાતાવરણ બન્યું છે, અને ખેડૂતોમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યના જળસંગ્રહમાં વધારો થવાથી આગામી દિવસોમાં પાણીની સમસ્યા ઓછી થવાની આશા છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે, જે રાજ્ય માટે વધુ રાહત લાવશે.