ગુજરાતમાં રોગચાળાએ માથુ ઉચક્યું, અમદાવાદ-રાજકોટની હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો લાગી...

ગુજરાતમાં રોગચાળાએ માથુ ઉચક્યું, અમદાવાદ-રાજકોટની હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો લાગી…

અમદાવાદ: ગુજરાતમાં ચોમાસુ જામ્યું છે. સાર્વત્રિક સારો વરસાદ નોંધાય રહ્યો છે. સારા વરસાદને પગલે ઠેર ઠેર પાણીના ભરાવાની સમસ્યા ઉદ્ભવી રહી છે. પાણી ભરાવાથી રાજ્યના અનેક વિસ્તારોમાં રોગચાળાએ માથુ ઉંચક્યું છે. અમદાવાદ, રાજકોટ જેવા મોટા શહેરોમાં સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો લાગતી જોવા મળી છે.

પ્રદૂષિત પાણી, ડ્રેનેજની સમસ્યા અને અપૂરતી સ્વચ્છતાને કારણે કોલેરા, ટાઈફોઈડ, ડેન્ગ્યૂ અને કમળા જેવા રોગોએ શહેરી વિસ્તારોમાં પગપેસારો કર્યો છે. આરોગ્ય વિભાગે આ સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે ફોગિંગ અને સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું છે, આ ઉપરાંત નાગરિકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.

અમદાવાદ શહેરમાં માત્ર જુલાઈ મહિનામાં જ પાણીજન્ય રોગચાળાના કેસનો આંકડો 1660 પહોંચી ગયો છે. મચ્છરજન્ય રોગચાળો પણ હવે ધીરે ધીરે માથું ઊંચકી કરહ્યું છે. 26 દિવસમાં ઝાડા-ઊલટીના 703, ટાઈફોઈડના 519, કમળાના 413, કોલેરાના 25 કેસ નોંધાયા છે. ડેન્ગ્યુના પણ 75 કેસ છે.

ઉલ્લેખનીય છે કે વધતા રોગચાળાને ધ્યાને રાખી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણીનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતુ. જેમાં 79 પાણીના નમૂનાઓ પીવાલાયક ન હોવાનું જાણવા મળ્યું હતું. શહેરના વટવા, મકતમપુરા, રામોલ-હાથીજણ, અસારવા, ઈસનપુર અને ઠક્કરનગર જેવા વોર્ડમાં કોલેરાના કેસો વધુ નોંધાયા છે.

બીજી બાજુ રાજકોટમાં શહેરમાં પણ રોગાચાળામાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. સતત વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. પરિણામે એક જ સપ્તાહમાં 2021 દર્દીઓ વિવિધ રોગથી સંક્રમીત થયા હતા. જેમાં તાવના 957, શરદી-ઉધરસના 780, ટાઈફોઈડના 2 અને ડેન્ગ્યૂનો 1 કેસ સમાવેશ થાય છે. કમળાના કેસમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ઘણા એવા કિસ્સા પણ જોવા મળ્યા કે સામાન્ય તાવ, સરદી, ઉઘરસ અને ઉલટીની ફરિયાદો ગંભીર બની દર્દીના મૃત્યુ થયા હોય.

અમદાવાદ અને રાજકોટમાં સહિત મોટ શહેરોમાં આરોગ્ય વિભાગે રોગચાળા પર કાબૂ મેળવવા ફોગિંગ અને સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું છે. રાજકોટમાં મચ્છરોના ઉપદ્રવ ધરાવતા વિસ્તારોમાં ફોગિંગની કામગીરી હાથ ધરવામાં આવી, જ્યારે 111 ઘરો અને 284 વ્યાપારી સ્થળોને સ્વચ્છતા મામલે નોટિસ આપવામાં આવી.

આ ઉપરાંત, મચ્છરોના ઉત્પત્તિ માટે 64 આસામીઓને 38 હજાર રૂપિયાનો દંડ ફટકારાવામાં આવ્યો છે. નાગરિકોને સ્વચ્છ પાણી પીવા, ખોરાકની સ્વચ્છતા જાળવવા અને સામાન્ય લક્ષણોને ગંભીરતાથી લેવાની સલાહ આપવામાં આવી છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button