મોદીની સુરેન્દ્રનગરમાં જાહેરસભા; વાહનચાલકોનું ચેકિંગ ‘આધારકાર્ડ’ થી,બોલો !
ગુજરાતનમાં ઠેર-ઠેર વ્યાપેલા ક્ષત્રિય સમાજના આંદોલન પછી પોલીસ વિભાગ સફાળો જાગી ગયો. ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બીજી જાહેરસભા સુરેન્દ્રનગરના વઢવાણમાં હતી.રાજકોટ-કે મૂળી તરફથી સુરેન્દ્રનગર જવાના રસ્તે પોલીસ કુમક ખડકાઇ હતી. પોલીસે સુરેન્દ્રનગર જતાં વાહન ચાલકોને ચેકિંગ માટે રોકવા ફરજ પાડી હતી, અને વાહન ચેકિંગ નહીં, પરંતુ આધાર કાર્ડમાં વાહન ચાલક્ના નામને જોઈને ચેકિંગ કરાતા ભારે આશ્ચર્ય ફેલાયું હતું. પોલીસનો ઉદ્દેશ સ્પસ્ટ હતો કે,વાહન ચાલક ક્ષત્રિય સમાજનો નથી ને ? કોઈ વાહનમાં એક પરિવારના હોય તો પરિવારના મોભીનું આધારકાર્ડ જોઈને જવા દેવામાં આવતા હતા. પોલીસનો તર્ક હતો કે ,ક્ષત્રિય સમાજના કોઈ લોકો સુરેન્દ્રનગર તરફ જતાં હોય તો વડાપ્રધાનની સભામાં ના પહોચી જાય તેની તકેદારીના ભાગરૂપ આધાર કાર્ડ જોવામાં આવ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે.
રાજકોટમાં ક્ષત્રિય રાજવીઓ થયા મોદી માટે એકત્રિત
એક તરફ ક્ષત્રિય સમાજનું ભાજપા વિરોધી આંદોલન ચાલે છે.બે દિવસથી અલગ અલગ જિલ્લાઓમાં ક્ષત્રિય સંમેલન મળી રહ્યા છે.આજે પણ વડાપ્રધાનની જૂનાગઢ-જામનગર સભા દરમિયાન રાજયમાં એક સાથે અલગ-અલગ જગ્યાએ પાંચ સંમેલન ચાલી રહ્યા છે.ત્યારે, ગુરુવારે સવારે રાજકોટના રાજવી માંધાતાસિંહજીની આગેવાનીમાં સૌરાષ્ટ્ર-ગુજરાતનાં રાજવીઓની એક બેઠક મળી.ત્યાર બાદ માંધાતાસિંહજીએ વડાપ્રધાન મોદીના સમર્થનમાં 45 રાજવીઓ મોદી માટે,મોદી સાથે હોવાની વાત કરી હતી. દેશના વિકાસ અને દેશને ઉતારોત્તર આગળ ધપાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સામ્ર્થ્યને બિરદાવી એક સૂરે રાજવીઓએ મોદી અને ભાજપની સાથે હોવાની વાત કરી. કેટલાક રાજવીઓએ પત્ર દ્વારા વડાપ્રધાન મોદીનું પ્રચંડ સમર્થન કર્યું હતું.
આપણ વાંચો: PM મોદીએ હિંમતનગરમાં સભા ગજવી, ‘આજનું ભારત આતંકના આકાઓને ડોઝિયર નહીં પરંતુ ડોઝ આપે છે’
ગુજરાતમાં પાંચ ક્ષત્રિય સંમેલન,જુઓ કયાઁ ? કયાઁ ?
રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિરોધ બાદ,માંગ ના સંતોષાતા ક્ષત્રિય સમાજ હવે ભાજપા વિરોધી થઇ ગયો છે. લોકસભા ચૂંટણીનાં સાતમી તારીખના મતદાનમાં ભાજપને ‘ભરી પીવા’ના સોગંદ ખવાઇ રહ્યા છે ત્યારે, સમાજે ન માત્ર ક્ષત્રિય સમુદાય પરંતુ બીજા સમાજને પણ ભાજપ વિરુદ્ધ મતદાન કરવા-જાગરૂક કરવા ધર્મ રથ કાઢ્યો.ધર્મ રથને પણ વિવિધ જિલ્લાઓમાં વ્યાપક સમર્થન મળ્યું હોવાનો દાવો પણ કરાયો. હવે જ્યારે આજે વડાપ્રધાન મોદી સૌરાષ્ટ્રમાં જનસભા સંબોધી રહ્યા હતા ત્યારે, ક્ષત્રિય સમાજના પાંચ સંમેલન ચાલી રહ્યા હતા.
ગુરુવારે, વડોદરાના કરજણમાં ક્ષત્રિય રાજપૂત સમાજની વાડીમાં એક સંમેલન, બીજું કચ્છના માંડવીમાં આવેલા આઝાદ ચોકમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન, ત્રીજું સાબરકાંઠાના સતલાસણામાં અર્બુદા માતાના મંદિરે, ચોથું ધોળકાના ચંડિસરમાં સંમેલન અને પાંચમું ઊતર ગુજરાતનાં મહેસાણામાં વડસ્મા રોડ પર સંમેલન ચાલી રહ્યા છે.
ચૂંટણી અને મતદાનની તારીખ જેમ જેમ નજીક આવતી જશે તેમ તેમ ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ પોતપોતાની રણનીતિ આક્રમક બનાવશે. જે રીતે અત્યારે ક્ષત્રિય સંમેલન થઈ રહ્યા છે તે જોતાં છેલ્લા દિવસોમાં ક્ષત્રિય સમાજ પણ પોતાની રણનીતિની ધારને વધુ આક્રમક બનાવવા ‘સરાણે’ ચઢાવે તો નવાઈ નહીં