અરવલ્લીના મોડાસામાં ધોધમાર વરસાદ! ભિલોડા-શામળાજી હાઇવે બંધ, લોકો પરેશાન

અરવલ્લીઃ ઉત્તર ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ થઈ રહ્યો છે. અરવલ્લીના મોડાસામાં પણ ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો હતો. આ દરમિયાન શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.
વરસાદ સતત વધી રહ્યો હોવાથી ભિલોડા-શામળાજી હાઇવે ફરી એકવાર બંધ થયો હોવાનું જાણવા મળ્યું છે. ભિલોડા-શામળાજી હાઇવે બંધ થતા રૂદ્રેશ્વર મહાદેવ મંદિર પાસે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. પાણી ભરાયું હોવાથી ભિલોડા-શામળાજી હાઈવેની સ્થિતિ અત્યારે ખરાબ છે. પાણીનો નિકાલ ના થયો હોવાથી લોકો પણ પરેશાન થઈ રહ્યાં છે.
આપણ વાંચો: ગુજરાતમાં અતિભારે વરસાદ સાથે ભારે પવનની ચેતવણી, 28મી જૂન સુધી દરિયો ના ખેડવા આદેશ…
ધોધમાર વરસાદ ખાબક્યો હોવાથી ઠેર ઠેર પાણી ભરાયા
વરસાદ થયો હોવાથી યાત્રાધામ શામળાજીમાં અત્યારે મનમોહક માહોલ છવાયો છે. પરંતુ ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા હોવાથી લોકોમાં રોષ જોવા મળ્યો હતો. શામળાજીમાં અત્યારે નયનરમ્ય નજારો પણ જોવા મળ્યો હતો.
પરંતુ શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો હોવાથી ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોએ તંત્ર સામે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. લોકોનું કહેવું છે કે, જ્યારે આ વિસ્તારમાં ભારે વરસાદ થયા છે, ત્યારે આ હાઈવે બંધ કરવાની ફરજ પડે છે. આજે પણ ભારે વરસાદના કારણે ભિલોડા-શામળાજી હાઇવે બંધ કરી દેવામાં આવ્યો છે.
ભારે વરસાદના કારણે નદીઓમાં પૂરની સ્થિતિ
વધારે વિગતે વાત કરવામાં આવે તો, ભારે વરસાદના કારણે નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી છે. હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. નીચાણ વિસ્તારમાં પાણી ભરાય તે સ્વાભાવિક છે પરંતુ રોડ અને રસ્તા પર પણ ઘૂંટણ સુધી પાણી ભરાયા છે. આખરે શા માટે તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે કોઈ કામગીરી કરવામાં આવતી નથી? હાઈવે બંધ થતા લોકોએ હાલાકી વેઠવી પડી રહી છે.
પ્રાંતિજમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ યથાવત
સાબરકાંઠા જિલ્લામાં પણ ભારે વરસાદ થયો હોવાનું જાણવા મળ્યું છે. પ્રાંતિજ, ઇડર અને વડાલીમાં એક-એક ઇંચ વરસાદ નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં સૌથી વધુ વડાલી અને પ્રાંતિજમાં 27 મીમી નોંધાયો હતો.
પ્રાંતિજમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ પડી રહ્યો હોવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રાંતિજના પોગલું, પીલુદ્રા, બાકાલપુર, જેશીંગપુરામાં ભારે વરસાદ થયો હોવાથી મગફળી અને ડાંગરના પાકને ફાયદો થયો હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું.