મોડાસા કોલેજના પ્રોફેસરની અશ્લીલ માંગણી: વિદ્યાર્થિનીઓ અને વિદ્યાર્થીઓના ઉગ્ર ધરણા, પ્રોફેસરને સસ્પેન્ડ કરવાની માંગ

મોડાસાઃ મોડાસામાં આવેલી સરકારી ઈજનેર કોલેજ અત્યારે વિવાદમાં આવી છે. સરકારી ઈજનેર કોલેજમાં એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને મેસેજ કરીને લંપટ પ્રોફેસરે બિભસ્ત માંગણી કરી હતી. જેના કારણે વિદ્યાર્થીઓ અને એબીવીપી દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે.
કોલેજના પ્રોફેસર મનિષ ચૌહાણ દ્વારા આ મેસેજ કર્યા હોવાનું વિદ્યાર્થિનીઓએ જણાવ્યું હતું. અત્યારે પ્રોફેસર કોલેજ છોડીને ભાગી ગયા હોવાનું જાણવા મળ્યું છે. કોલેજના આચાર્ય દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે કે આ લંપટ પ્રોફેસર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આપણ વાચો: SIR કામગીરીમાં શિક્ષકોને જોડવાના વિરોધમાં ઉતર્યું NSUI; પોલીસે કરી અટકાયત…
પ્રોફેસરે છાત્રાઓને મેસેજ કરી બિભસ્ત માંગણીઓ કરી
લંપટ પ્રોફેસર દ્વારા મોડાસા સરકારી ઇજનેર કોલેજમાં એન્જિનિયરિંગના પ્રથમ વર્ષની છાત્રાઓને મેસેજ કરી બિભસ્ત માંગણી કરવામાં આવી હતી. જેને લઈને આ વિરોધ શરૂ થયો છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે, માત્ર એક જ વિદ્યાર્થિની સાથે નહીં, પરંતુ આ પહેલા પણ પ્રોફેસર દ્વારા અનેક વિદ્યાર્થિનીઓને આવા મેસેજ કરવામાં આવ્યાં હતાં.
આ મામલો પ્રકાશમાં આવ્યો ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા કોલેજમાં ધરણા કરીને રજૂઆત કરવામાં આવી હતી. કોલેજની વિદ્યાર્થીઓ દ્વારા માત્ર એટલી માંગણી કરવામાં આવી છે કે, આ લંપટ પ્રોફેસરને કોલેજમાંથી સસ્પેન્ડ કરવામાં આવે.
વિદ્યાર્થીઓએ એવો પણ આરોપ લગાવ્યો છે કે, જ્યારે વિદ્યાર્થીઓ રજૂઆત કરવા માટે પહોંચ્યાં ત્યારે કોલેજે તે પ્રોફેસરને પાછળના દરવાજેથી જતા રહેવા માટે કહ્યું હતું, જેથી અત્યારે આ પ્રોફેસર મોડાસામાં નથી તેવું પણ વિદ્યાર્થીઓ કહી રહ્યાં છે.
આપણ વાચો: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરિસરમાં વિરોધ પ્રદર્શન: NSUI અને પોલીસ વચ્ચે ઘર્ષણ, ગેટનો કાચ તૂટ્યો
કોલેજના આચાર્ચને આ મામલે શું વિગતો આપી?
રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ આ મામલે કોલેજના આચાર્ચને પણ રજૂઆત કરી હતી. મીડિયા સાથે વાત કરતા કોલેજના આચાર્યે કહ્યું કે, મને આ મામલે આજે બપોરે ફરિયાદ મળી છે. જે પણ વિદ્યાર્થિની સાથે આવું વર્તન થયું છે તેમને ન્યાય મળશે અને આ પ્રોફેસર સામે તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે.
અત્યારે આ પ્રોફેસર ક્યાં છે તે અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે આચાર્ચે કહ્યું તે અંગે તેમને જાણ નથી. પરંતુ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે તેવું આશ્વાસન આપ્યું હતું, પરંતુ વિદ્યાર્થીઓ એટલા રોષે ભરાયા હતા કે, કોલેજના પરિસરમાં એકઠા થઈ ગયા અને માંગણી કરી રહ્યાં છે કે તાત્કાલિક લંપટ પ્રોફેસરને સસ્પેન્ડ કરવામાં આવે. હવે જોવાનું એ રહે છે કે, આ મામલે કોલેજ અને પોલીસ દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવે છે.



