‘મંત્રી બન્યાં બાદ સ્વરૂપજીમાં અભિમાન આવ્યું…’, સોશિયલ મીડિયામાં વાયરલ થયું લખાણ

વાવ-થરાદઃ વાવ વિધાનસભાના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરને ગુજરાત સરકારમાં પ્રધાન પદ પણ આપવામાં આવ્યું છે. પરંતુ હવે સ્વરૂપજી ઠાકોર લોકોનું કામ નથી કરતા તેવો આક્ષેપ થયો છે. એટલું જ નહીં પરંતુ સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થયો છે, જેમાં સ્વરૂપજી ઠાકોરને અભિમાન આવી ગયું હોવાની પણ વાત કરવામાં આવી છે. મુકેશજી ઠાકોર નામના વ્યક્તિએ આ મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. તો પ્રશ્ન થાય છે કે, શું મંત્રી બન્યાં બાદ સ્વરૂપજી ઠાકોર લોકોના કામ નથી કરી રહ્યાં? કે પછી તેમને બદનામ કરવા માટે આવો મેસેજ વાયરલ કરવામાં આવ્યો છે?
શું લખ્યું છે આ વાયલ મેસેજમાં?
મુકેશજી ઠાકોર નામના વ્યક્તિએ લખ્યું કે, ભાભર, સુઇગામ, વાવ વિસ્તારના તમામ લોકોને જણાવવાનું કે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઉમેદવારે કે નેતાઓએ વિસ્તારના કામો કે અન્ય કોઈ વાયદાઓ અને વચનો આપ્યા હોય અને હજુ સુધી પુરા ના નથી. આ બાબતે અભિમાન અને હવામાં ફુલાઈને ફરતા ગુજરાત સરકારના મંત્રી ધ્યાન આપતા ના હોય તો વિગત અમારા નંબર ઉપર વોટસઅપ કરવા વિનંતી. એટલે કે આ મેસેજમાં લોકોને તેમના કામ કરાવી આપવામાં આવશે તેવી વાત લખવામાં આવી છે.
સરપંચ ના થઈ શકે એવા માણસને ધારાસભ્ય બનાવ્યા!
વધુમાં લખ્યું કે, આ વિસ્તારના આગેવાનો અને કાર્યકર્તાઓએ રાત દિવસ મહેનત મજૂરી કરીને પોતાના ગામમાં સરપંચ ના થઈ શકે એવા મેઢા માણસને ધારાસભ્ય અને મંત્રી બનાવ્યા છે, પછી અભિમાન અને હવામાં ફરતા ગુજરાત સરકારાના મંત્રીએ વિસ્તારના મોટા ભાગના આગેવાનોને લાત મારી સાઈડમાં કરી નાખ્યાં છે અને હવે આગેવાનો કે કાર્યકર્તાઓના ફોન પણ નથી ઉપાડતા. વધુમાં સ્વરૂપજીને ધમકી આપતા લખવામાં આવ્યું કે, મેઢા મંત્રીનું અભિમાન અને હવાનું લેવલ કરવાનું કામ અમે કરીશું’, આ મેસેજમાં સ્વરૂપજી ઠાકોરને ચોખ્ખા શબ્દોમાં ધમકી આપવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે.
શું ખરેખર ધારાસભ્ય લોકોના કામ નથી કરી રહ્યાં?
હવે પ્રશ્ન એ થાય છે કે, આવો મેસેજ કેમ વાયરલ થઈ રહ્યો છે. શું ખરેખર ધારાસભ્ય લોકોના કામ કરવાનું ભૂલીને માત્ર સભાઓ કરી રહ્યાં છે. આક્ષેપ એવો પણ કરવામાં આવ્યો છે કે, જે વ્યક્તિને કોઈ ગામના સરપંચ પણ ના બનાવે તેવા વ્યક્તિને ધારાસભ્ય અને મંત્રી બનાવી દેવામાં આવ્યાં છે. એટલા માટે તેમને એટલે કે સ્વરૂપજી ઠાકોરને અભિમાન આવી ગયું છે. ચોંકાવનારી વાત તો એ છે કે, આ મેસેજ ઠાકોર સમાજના જ વ્યક્તિ દ્વારા વાયરલ કરવામાં આવ્યો છે.



