આવતીકાલે 3 કલાક મેટ્રો રહેશે બંધ, જાણો શું છે કારણ..
અમદાવાદ: શહેરના પૂર્વ છેડાં અને પશ્ચિમ છેડાંને જોડનારી જીવાદોરી સમાન મેટ્રોના પૈડા આવતીકાલે એક દિવસ માટે થંભી જશે. તેની પાછળનું એક ખાસ કારણ છે, અમદાવાદમાં મેટ્રો રેલ સુરક્ષા કમિશનર આવી રહ્યા છે. તેઓ ઇસ્ટવેસ્ટ કોરિડોર એટલે કે વસ્ત્રાલથી થલતેજના રૂટ પર આવતા નવા બનેલા કાંકરિયા ઇસ્ટ મેટ્રો સ્ટેશનનું નિરીક્ષણ કરવાના હોવાથી આ રૂટ પર બપોરે મેટ્રોસેવા બંધ રહેશે.
આ અંગેનો પરિપત્ર પણ જાહેર કરી દેવામાં આવ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે મેટ્રો રેલ સુરક્ષા કમિશનરનાં નિરીક્ષણ માટે 13 ડિસેમ્બર ના રોજ ઈસ્ટ-વેસ્ટ કોરિડોર (વસ્ત્રાલ ગામથી થલતેજ) મેટ્રો ટ્રેન સેવાઓ બપોરે 2:૦૦ થી સાંજે 5:૦૦ વાગ્યા દરમિયાન સ્થગિત રહેશે.
માત્ર ઈસ્ટ-વેસ્ટ કોરિડોરમાંથી વસ્ત્રાલ ગામ અને થલતેજ બંને ટર્મિનલ સ્ટેશનથી છેલ્લી મેટ્રો ટ્રેન પ્રસ્થાનનો સમય બપોરે 1:૦૦ વાગ્યાનો રહેશે, તે પછી સીધી સાંજે 5:૦૦ વાગ્યાથી મેટ્રો ટ્રેન સેવાઓ ઈસ્ટ-વેસ્ટ કોરિડોરમાં હાલના સમયપત્રક મુજબ ઉપલબ્ધ થશે. નોર્થ-સાઉથ કોરિડોર એટલે કે APMC થી મોટેરા સ્ટેડિયમ પર ટ્રેન સેવાઓ હાલના સમયપત્રક મુજબ આખો દિવસ ચાલુ રહેશે.
અમદાવાદ મેટ્રો લોન્ચ થઇ ત્યારથી તેને લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. પોતાનું વાહન ન ધરાવતા નાગિરકો માટે તે એક સારી સુવિધા પુરી પાડે છે. લોકો ટુ-વ્હીલર, રીક્ષા, કાર જેવા વાહનોને બદલે હવે સલામત અને અનુકૂળ મુસાફરીને કારણે મેટ્રોમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે. હાલમાં, અમદાવાદમાં મેટ્રો ટ્રેનની સેવાઓ સવારે 6:2૦ વાગ્યાથી રાત્રે 10:૦૦ સુધી કાર્યરત છે.