આપણું ગુજરાત

ગુજરાતના આ 4 જિલ્લામાં ત્રણ દિવસ આંધી-વંટોળની હવામાન વિભાગની આગાહી

અમદાવાદ: રાજ્યમાં છેલ્લા 15 દિવસથી કાળઝાળ ગરમીથી ત્રસ્ત લોકોને આંશિક રાહત મળી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં પવન ફૂંકાવવાની સાથે વાદળછાયું વાતાવરણ પણ રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે. ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં 5 દિવસ તાપમાન કેવું રહેશે તે અંગેની આગાહી કરી છે.

અમદાવાદના હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં ત્રણ દિવસ સુધી આંધી વંટોળની આગાહી આપવામાં આવી છે. ગુજરાતના ચાર જિલ્લામાં એટલે કે – કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર માટે આંધી વંટોળની આગાહી છે તથા ધૂળની ડમરીઓ ઊડશે. આ સાથે જ તેમણે પવન અંગે જણાવ્યુ કે, આખા ગુજરાતમાં સ્ટ્રોંગ સરફેસ વિંડ રહેશે. ત્રણ દિવસ માટે જેની સ્પીડ 25થી 30 કિમી પ્રતિ કલાક રહેશે.

આ ઉપરાંત હાલમાં ગુજરાત રાજ્યના એકપણ જિલ્લામાં આગામી પાંચ દિવસ દરમિયાન વરસાદની શક્યતા નથી, પરંતુ અરબ સાગરમાં હલચલને કારણે આગામી ચાર દિવસ દરમિયાન કચ્છના અખાતમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. દરિયાકાંઠે પવનની ગતિ 40થી 45 કિમી પ્રતિ કલાક પવન ફૂંકાશે. જેમાં મહત્તમ 65 કિમી પ્રતિ કલાક પણ જઇ શકે છે, દરિયામાં તેજ પવન ફૂંકાઈ શકે છે.

આ સાથે જ દરિયામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ, ગાંધીનગર સહિત ગુજરાતના વિવિધ જિલ્લાઓ ગરમીનું જોર ઓછુ થવા પામ્યો છે. ત્યારે આજે હવામાન વિભાગ દ્વારા અમદાવાદ અને ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ રહેવાનું અનુમાન કર્યું છે.

આગામી પાંચ દિવસ રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં તાપમાન યથાવત્ રહેશે. કેટલાક જિલ્લાઓમાં એકથી બે ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ઘટાડો પણ થઈ શકે છે. હાલમાં ગુજરાત પર દક્ષિણ-પશ્ચિમ અને પશ્ચિમ દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યા છે. એને કારણે અરબ સાગરના ભેજ ખેંચાઈ આવ્યાં છે, એને કારણે ગુજરાતમાં ઠંડું વાતાવરણ રહેવા પામ્યું છે, પરંતુ એને કારણે વરસાદની શક્યતા નથી. ફક્ત ઝડપી ગતિએ પવન ફૂંકાશે. આ પવનની ગતિ 25-30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button