ગુજરાતમાં એક રાતમાં આગની બે દુર્ઘટના: મહેસાણાના સલ્ફર પ્લાન્ટમાં બે જણનાં મોત…

મહેસાણા/ભરૂચ: ગુજરાત રાજ્યના બે જિલ્લાઓમાં આગ લાગવાની ઘટનાઓ બની હતી, જેમાં ભરૂચની પાનોલી GIDCની સંઘવી ઓર્ગેનિક્સ પ્રા. લિમિટેડ તથા મહેસાણાના APN સલ્ફર પ્લાન્ટનો સમાવેશ થાય છે.
જોકે, પાનોલી GIDCની આગના બનાવમાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ મહેસાણાની આગની ઘટનામાં બે જણનાં મૃત્યુ થયા છે.
સામેત્રા ગામની આગમાં બે જણનાં મૃત્યુ
મહેસાણા-બહુચરાજી હાઈવે પાસે આવેલા સામેત્રા ગામ નજીક APN સલ્ફર પ્લાન્ટ આવેલો છે. આ પ્લાન્ટમાં મોડી રાત્રે વિકરાળ આગ લાગી હતી. જ્યારે આગ લાગી હતી ત્યારે છ મજૂર પ્લાન્ટમાં કામ કરી રહ્યા હતા.
આગ લાગવાની ઘટનાને લઈને પોલીસ તથા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. પરંતુ ફાયર બ્રિગેડની ટીમ પહોંચે તે પહેલા પ્લાન્ટના કર્મચારીઓએ સ્થાનિકોની મદદથી આગ પર કાબૂ મેળવ્યો હતો.
મહેસાણા ગ્રામ્ય પોલીસના એક અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે, સામેત્રા ગામ પાસેના સલ્ફર પ્લાન્ટમાં રાત્રે લગભગ 3 વાગ્યે આગ લાગી હતી. જ્યાં નાઈટ શિફ્ટમાં કુલ 6 લોકો કામ કરી રહ્યા હતા. આગ પર કાબૂ મેળવ્યા બાદ બે મજૂરના સળગેલા મૃતદેહ મળી આવ્યા છે.
જેમની ઓળખ મનીષ અને ફૂલચંદ તરીકે કરવામાં આવી છે, જે પૈકીનો મનીષ બિહાર અને ફૂલચંદ મહારાષ્ટ્રનો વતની હતો. આ સિવાય બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે નજીકના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્લાન્ટમાં આગ કેવી રીતે લાગી તેનું કારણ જાણવા અમે વધુ તપાસ હાથ ધરી છે.
પાનોલી GIDCની દુર્ઘટનાનો મૃત્યુઆંક કેટલો?
ભરૂચની પાનોલી GIDC ખાતેની સંઘવી ઓર્ગેનિક્સ પ્રા. લિ.માં આજે સવારે ભીષણ આગ લાગી હતી. આ આગ એટલી વિકરાળ છે કે, તેના ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી આકાશમાં દેખાઈ રહ્યા હતા.
ભીષણ આગની ઘટનાને લઈને સ્થાનિક પોલીસ સહિત ફાયર બ્રિગેડ વિભાગની 15 ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાની શરૂઆત કરી હતી. જોકે, આ દુર્ઘટનામાં જાનહાનિના કોઈ સમાચાર નથી, પરંતુ આ બંને આગના બનાવને કારણે ફાયર બ્રિગેડ પ્રશાસન દોડતું થઈ ગયું હતું.
આ પણ વાંચો…ભરૂચ GIDCની સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં લાગી ભીષણ આગ, ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાયા