હાથીપગા રોગને અટકાવવા ‘સામૂહિક દવા વિતરણ’ અભિયાન યોજાશે, કેવી રીતે ફેલાય છે આ રોગ?

ગાંધીનગરઃ ગુજરાત રાજ્યના ત્રણ જિલ્લાના ચાર પ્રભાવિત તાલુકાઓમાં હાથીપગા રોગને અટકાવવા આગામી તારીખ 10 થી 12 ફેબ્રુઆરી-2026 દરમિયાન ‘સામૂહિક દવા વિતરણ’ અભિયાન યોજાશે.
આ અભિયાનમાં ભરૂચનો નેત્રંગ તાલુકો, નર્મદાના નાંદોદ અને ડેડીયાપાડા તેમજ ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાની કુલ 5.48 લાખથી વધુ વસ્તીને સાંકળી લેવામાં આવશે. આ અભિયાનમાં સરકારની સાથે નાગરિકો પણ જોડાશે તો સમાજને વધુ તંદુરસ્ત બનાવી શકાશે.
સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં કુલ 17 જિલ્લા હાથીપગા માટે સંવેદનશીલ
રાજ્યમાંથી હાથીપગા રોગના નિર્મૂલન માટે ગાંધીનગર ખાતે આરોગ્ય કમિશનરની અધ્યક્ષતામાં વિવિધ વિભાગો સાથે આયોજન બેઠક યોજાઇ હતી. આરોગ્ય કમિશનરે વિગતો આપતા કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2030 સુધીમાં ફાઈલેરિયા-હાથીપગા રોગનું નિર્મૂલન કરવા માટેનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કુલ 17 જિલ્લા હાથીપગા માટે સંવેદનશીલ ગણાય છે. લિમ્ફેટીક ફાઈલેરીયાસીસને સામાન્ય રીતે હાથીપગા-એલીફન્ટાઈસીસ તરીકે ઓળખવામાં આવે છે.
જે ક્યુલેક્ષ નામના મચ્છરથી ફેલાતો રોગ છે. આ મચ્છર ગંદા પાણીમા ઉત્પન્ન થાય છે. એક વાર હાથીપગો થયા પછી તે મટી શકે નહીં અને તે દર્દી આ જિંદગીભર દિવ્યાંગ બની રહે છે.
માસ ડ્રગ એડમીનીસ્ટ્રેશનનો ત્રીજો રાઉન્ડ હાથ ધરવામાં આવશે
આ સાથે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં નેત્રંગ, નાંદોદ, દેડિયાપાડા અને વઘઈ એમ ચાર તાલુકાઓમાં તારીખ 10 થી 12 ફેબ્રુઆરી 2026 દરમિયાન માસ ડ્રગ એડમીનીસ્ટ્રેશનનો ત્રીજો રાઉન્ડ હાથ ધરવામાં આવશે.
આ અભિયાનમાં સગર્ભા બહેનો, ધાત્રી માતા અને અતિશય બિમાર હોય તે સિવાય બે વર્ષથી ઉપરની આયુ ધરાવતા તમામને ઉંમર પ્રમાણે નિયત થયેલી દવા રૂબરૂ ગણાવવામાં આવશે.
આ દવા બે વર્ષની નાના બાળકોને ગાળાવવામાં આવતી નથી. અભિયાન દરમિયાન આ વિસ્તારમાં રહેતા હોય કે ના રહેતા હોય તમામને દવા ખાસ ગળાવવાની છે જેથી આ રોગને અન્ય વિસ્તારમાં પણ ફેલાવતો અટકાવી શકાય.
આ અભિયાન અંતર્ગત ફાઈલેરિયા-હાથીપગા રોગ માટેના સંવેદનશીલ નથી તેવા જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં રાત્રિ બ્લડ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં લોહીના નમુનાઓ લેવામાં આવ્યા હતા.
જેના પરીક્ષણ બાદ ભરૂચનો નેત્રંગ તાલુકો, નર્મદાનો નાંદોદ અને ડેડીયાપાડા તાલુકો અને ડાંગનો વઘઇ તાલુકો આમ ત્રણ જિલ્લાના કુલ ચાર તાલુકાના વિસ્તારોમાંથી લેવામાં આવેલા લોહીના નમૂનામાં હાથીપગા રોગના કૃમિ જોવા મળ્યા હતાં.
બેઠકમાં કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરેલા ફાઇલેરીયા નિર્મૂલનના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતા પગલાઓ વિષે માહિતગાર કરવામાં આવ્યા હતા.
આયોજન બેઠકમાં આરોગ્ય કમિશનરની કચેરીના અધિક નિયામક, પંચાયત વિભાગ, આયુષ વિભાગ, કમિશનર નગરપાલિકાઓ, ઉદ્યોગ, શિક્ષણ, મહિલા અને બાળ વિકાસ, માહિતી, સિંચાઇ અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હાથીપગા કેવી રીતે ફેલાય છે?
આ રોગ માદા મચ્છરના કરડવાથી ફેલાય છે. લસિકાગ્રંથિમાં પુખ્ત માદા કૃમિ સૂક્ષ્મ કદના અનેક લાર્વા છોડે છે. જે લોહીના પ્રવાહમાં ભળે છે. જેને હાથીપગાના સૂક્ષ્મ જંતુઓ (માઇકોફિલેરી) કહે છે. વ્યક્તિને મચ્છર કરડે ત્યારે તેના ડંખમાથી તે લાર્વા અન્ય વ્યક્તિના શરીરમાં પ્રસરે છે. હાથીપગાને ફાઇલેરિયા પણ કહેવામાં આવે છે.
આ રોગ થાય ત્યારે ખૂબ તાવ આવે, બેચેની અનુભવાય, ઠંગી લાગે, અંગ અકડાઈ જાય, લસિકાગ્રંથિમાં સોજો આવે અને પગ પણ સોજો આવે છે. હાથીપગાની સારવાર માટે ડી.ઇ.સી નામની દવા આપવામાં આવે છે. દવાનો ડોઝ ડોક્ટરએ આપેલી સુચના અનુસાર તેમને ડોઝ પુરા કરવા જોઇએ.



