મણિપુરમાં નવી સરકારના ગઠન માટે દિલ્હીમાં મંથન: એનડીએના નેતાઓ હાઈકમાન્ડને મળશે

મણિપુરમાં ફરી એકવાર ચૂંટાયેલી સરકાર સ્થાપવા માટેની કવાયત અંતિમ તબક્કામાં પહોંચી છે. રાજ્યમાં ચાલી રહેલા રાષ્ટ્રપતિ શાસન વચ્ચે એનડીએ (NDA) ના તમામ નેતાઓ અને ધારાસભ્યો સોમવારે દિલ્હીમાં પક્ષના મોવડી મંડળ સાથે બેઠક કરવાના છે. આ મહત્વપૂર્ણ બેઠકમાં રાજ્યની સુરક્ષા અને રાજકીય સ્થિરતાને ધ્યાનમાં રાખીને નવી સરકારની સંભાવનાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જો બધું બરાબર રહ્યું તો આગામી બે થી ત્રણ દિવસમાં જ નવી સરકારના સોગંદવિધિ યોજાઈ શકે છે.
રાજ્યમાં શાંતિ સ્થાપવા માટે ભાજપ અને સાથી પક્ષો એક ખાસ ફોર્મ્યુલા પર કામ કરી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. એવી શક્યતા છે કે મણિપુરમાં ‘મૈતેઈ’ સમુદાયના નેતાને મુખ્યમંત્રી પદ સોંપવામાં આવે, જ્યારે કુકી અથવા નાગા સમુદાયના નેતાને ડેપ્યુટી સીએમ બનાવીને સત્તામાં સંતુલન જાળવવામાં આવે. ભાજપ પ્રદેશ પ્રમુખ શારદા દેવીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે જનતાની અપેક્ષાઓ મુજબ ટૂંક સમયમાં લોકતાંત્રિક સરકાર કાર્યરત થશે.
પૂર્વ મુખ્યમંત્રી એન. બિરેન સિંહે દિલ્હી રવાના થતા પૂર્વે હકારાત્મક પરિણામની આશા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે રાષ્ટ્રપતિ શાસનની મુદત 12 ફેબ્રુઆરીએ પૂર્ણ થઈ રહી છે, તે પહેલા જ નવી સરકારની રચના માટેની પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી છે. અગાઉ ભાજપના તમામ ધારાસભ્યોએ બેઠક કરીને આ અંગે પ્રાથમિક ચર્ચાઓ કરી લીધી છે. હવે કેન્દ્રીય નેતૃત્વની મંજૂરી બાદ મુખ્યમંત્રીના નામ પર મહોર લાગશે.
મણિપુરમાં મે 2023થી શરૂ થયેલી જાતીય હિંસામાં અત્યાર સુધીમાં 260થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને હજારો લોકો વિસ્થાપિત થયા છે. આ અશાંતિ વચ્ચે ગત વર્ષે 13 ફેબ્રુઆરીએ એન. બિરેન સિંહે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું, ત્યારબાદ કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું. હવે લગભગ એક વર્ષ બાદ ફરીથી જનતાની સરકાર બનવા જઈ રહી છે, જેનાથી રાજ્યમાં કાયમી શાંતિની અપેક્ષા રાખવામાં આવી રહી છે.



