માલધારીઓનો ગંભીર આક્ષેપ: AMC સંચાલિત ઢોરવાડામાં રોજના 20થી 25 જેટલા પશુઓના થઇ રહ્યા છે મોત
અમદાવાદ: ઢોરના મુદ્દે ઘણા સમયથી અમદાવાદ મહાનગરપાલિકા અને માલધારી આગેવાનો આમને સામને છે ત્યારે હાલમાં મનપા સંચાલિત ઢોરવાડાનો એક વીડિયો વાઇરલ થતા ચકચાર મચી છે, અને આ વીડિયોએ રખડતા ઢોરના વિવાદમાં બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે.
અમદાવાદના ગ્યાસપુર વિસ્તારમાં આવેલા ઢોરવાડામાં દરરોજ આશરે 20થી 25 પશુઓના મોત થઇ રહ્યા છે એવો માલધારી સમાજના આગેવાનોએ આક્ષેપ કર્યો છે. જે વીડિયો વાઇરલ થયો છે તેના દ્રશ્યોમાં પશુઓની હાલત અત્યંત કરૂણ હોવાથી તે બતાવી શકાય એમ નથી. પશુઓની દયનીય સ્થિતિ પાછળ માલધારી સમાજના આગેવાનો મનપાના અધિકારીઓને જવાબદાર ગણાવી આક્ષેપ કરી રહ્યા છે કે મૃત ગાયોને AMCની ગાડીમાં લાવવામાં આવે છે અને ખરાબ હાલતમાં રઝળતા મૂકી દેવાય છે. તેમનો યોગ્ય નિકાલ થતો નથી.
ઉપરાંત મનપા દ્વારા જ્યારે રખડતા ઢોરને પકડી લીધા બાદ ઢોરવાડામાં પૂરવામાં આવે છે ત્યારે ત્યાં તેમના માટે કોઇ પાણી કે ઘાસચારાની પૂરતી વ્યવસ્થા હોતી નથી. જેને કારણે તેમના મોત થઇ રહ્યા છે. દરરોજ અનેક ગાયો સહિતના પશુઓ મરી રહ્યા છે જેમનો નિકાલ ગ્યાસપુરમાં કરવામાં આવે છે. ઢોરવાડામાં જો પશુઓ સુરક્ષિત ન હોય તો તેમને મંદિરો અથવા ગૌશાળામાં આપી દેવા જોઇએ. આ અંગે માલધારી સમાજના પ્રમુખ નાગજી દેસાઇએ સીએમ ભૂપેન્દ્ર પટેલને પણ યોગ્ય પગલા લેવા રજૂઆત કરી હતી.
મનપાના અધિકારીઓએ આ આક્ષેપને નકાર્યા છે અને જણાવ્યું છે કે મૃત પશુઓનો વ્યવસ્થિત જ નિકાલ થાય છે. એવું પણ શક્ય છે કે કોઇએ પશુઓના નિકાલની પ્રક્રિયા થાય એ પહેલા વીડિયો ઉતારીને વાઇરલ કરી દીધો હોય. આમ, સમગ્ર મામલે મનપા અને માલધારી આગેવાનો વચ્ચે સામસામી આક્ષેપબાજી થઇ રહી છે. ત્યારે આગળ જતા આ મુદ્દે શું નિર્ણય લેવાય છે તે જોવું રહ્યુ.