દમણમાં મોટી દુર્ઘટના: હિંગળાજ તળાવમાં નાહવા ગયેલા 4 બાળકો ડૂબ્યા, 3ના મોત

દમણ: સંઘપ્રદેશ દમણ ખાતેથી એક મોટી દુર્ઘટના સામે આવી છે. દમણના આંટીયાવાડ વિસ્તારમાં એક કરૂણ દુર્ઘટના ઘટી હતી. હિંગળાજ તળાવમાં ડૂબી જવાથી ત્રણ બાળકોના કરૂણ મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી અને શોકનો માહોલ છવાયો છે.
હિંગળાજ તળાવમાં 4 બાળકો ડૂબ્યા
મળતી માહિતી અનુસાર, 11 ડિસેમ્બર, 2025ના રોજ આંટીયાવાડ વિસ્તારના હિંગળાજ તળાવમાં કુલ 7 બાળકો નાહવા પડ્યા હતા. જે પૈકી 4 બાળકો પાણીમાં ડૂબવા લાગ્યા હતા. જેથી બાકીના 3 બાળકોએ તળાવની બહાર આવીને બૂમાબૂમ કરી મૂકી હતી. બાળકોને ડૂબતા જોઈને એક સ્થાનિક યુવક તાત્કાલિક તળાવમાં કૂદ્યો હતો અને તેમાંથી એક બાળકનો જીવ બચાવવામાં સફળ રહ્યો હતો.
બાળકને બચાવનાર સ્થાનિક યુવકે જણાવ્યું હતું કે, “બાળકના પેટમાં પાણી ભરાઈ ગયું હતું. તેથી બહાર કાઢ્યા બાદ તેને તરત પ્રાથમિક સારવાર આપીને પેટમાંથી પાણી બહાર કાઢવામાં આવ્યું હતું. ત્યારબાદ બાળકને ભાન આવ્યું હતું. જો થોડું પણ મોડું થયું હોત તો તેનો જીવ જોખમમાં મૂકાઈ શકતો હતો.” જોકે, અન્ય ત્રણ બાળકો પાણીમાં ગુમ થઈ ગયા હતા.
કલાકોની શોધખોળ બાદ મળ્યા મૃતદેહ
ઘટનાની જાણ થતાં જ રાજકીય અગ્રણીઓ સહિત પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બાળકોની શોધખોળ શરૂ કરી હતી. કડકડતી ઠંડીમાં પણ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમોએ મોડી રાત સુધી તળાવમાં શોધખોળ ચાલુ રાખી હતી. અનેક કલાકોની સઘન શોધખોળ બાદ આખરે ત્રણેય બાળકોના મૃતદેહો મળી આવ્યા હતા. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, એક સાથે ત્રણ માસૂમ બાળકોના મોતથી આંટીયાવાડ વિસ્તારમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે.
આ પણ વાંચો…પિકનિક પર ગયેલા એક પરિવારનાં ત્રણ દરિયામાં ડૂબ્યા: ચાર ગૂમ, એકનો બચાવ



