આપણું ગુજરાત

ગુજરાતમાં પણ છે Rapid X જેવી ટ્રેનનો પ્લાન, પણ……

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા દિવસો પહેલા દિલ્હી અને મેરઠને જોડતી દેશની પ્રથમ પ્રાદેશિક રેલ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ રેપીડ-એક્સના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારે ગુજરાતના શહેરોને જોડતી પ્રસ્તાવિત સેમી હાઈસ્પીડ રેલ યોજનાઓ લાંબા સમયથી કાગળ પર જ પડી રહી છે.

અમદાવાદ-રાજકોટ સેમી-હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ, અમદાવાદ-ધોલેરા મોનોરેલ પ્રોજેક્ટ અને ગુજરાતના વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રોને રેલવે દ્વારા જોડવા માટેના માસ્ટર પ્લાન બનાવવામાં આવ્યો હતો. પ્રાદેશિક રેલ કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સમાં અસાધારણ વિલંબ થવા અંગે રાજ્ય સરકારે કોઈ માહિતી આપી નથી.

જુલાઈ 2021માં રેલવે મંત્રાલયે અમદાવાદ-રાજકોટ સેમી-હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટને લીલી ઝંડી આપી હતી. આ માટે વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવ્યો હતો અને વિચારણા માટે મંત્રાલયને મોકલવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ મુજબ ટ્રેન અમદાવાદથી રાજકોટ સુધીનું 225 કિમીનું અંતર બે કલાકમાં આવરી લેશે. સુત્રોના જણાવ્યા મુજબ આ પ્રોજેક્ટ પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનો ડ્રીમ પ્રોજેક્ટ છે.

લાંબા વિલંબ પછી ગુજરાત સરકારે 2021માં અમદાવાદથી ધોલેરાના સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (SIR) સુધી મોનોરેલ માસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (MRTS) માટે લીલી ઝંડી આપી હતી. રાજ્ય સરકારે રૂ. 6,000 કરોડના ડ્રાફ્ટ પ્રોજેક્ટ રિપોર્ટને મંજૂરી આપી હતી અને કેન્દ્રની દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રિયલ કોરિડોર (DMIC) યોજના હેઠળ નાણાકીય અને તકનીકી સહાય માટે મંજૂરી પણ મેળવી હતી, છતાં ત્યારથી આ અંગે કોઈ પ્રગતિ થઇ નથી.

મળતી માહિતી મુજબ વર્ષ 2015 માં ગુજરાત સરકારે સીટી-ટુ-સીટી રેલ કનેક્ટિવિટી અને મુખ્ય ઔદ્યોગિક વિસ્તારો સાથે જોડાણ માટે રેલવે માસ્ટર પ્લાન તૈયાર કર્યો હતો. માસ્ટર પ્લાન મુજબ પ્રોજેક્ટનું નિર્માણ પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મુજબ કરવામાં આવશે અને GIDB તેના અમલીકરણ માટે નોડલ એજન્સી તરીકે કામ કરશે. રાજ્ય સરકારે પ્રોજેક્ટના અમલીકરણ પર દેખરેખ રાખવા માટે સ્પેશિયલ પર્પઝ વ્હીકલ (SPV) સ્થાપવા માટેની પ્રાથમિક મંજૂરી પણ મેળવી હતી, પરંતુ ત્યારથી આ માસ્ટર પ્લાન અભેરાઈ પર મૂકી દેવામાં આવ્યો છે.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button