આપણું ગુજરાત

ગુજરાતનું ગૌરવ: અમદાવાદની 14 વર્ષની માહી ભટ્ટને NASAનું આમંત્રણ, CMએ પાઠવ્યા અભિનંદન

અમદાવાદઃ કેબિનેટ બેઠકમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ તથા તમામ મંત્રીમંડળના સભ્યોએ અમદાવાદની 14 વર્ષની દીકરી માહી ભટ્ટની ગૌરવશાળી સિદ્ધિને બિરદાવી હતી. સરકારી શાળામાં યોજાતા વિજ્ઞાન મેળામાં રસપૂર્વક ભાગ લેતી આ દીકરીએ વૈશ્વિકસ્તરે ગુજરાતનો ડંકો વગાડ્યો છે. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારની AMC સંચાલિત સરકારી શાળામાં અભ્યાસ કરતી સામાન્ય પરિવારની આ દીકરી માહીને ‘નાસા સ્ટેમ’માં ગાઈડ તરીકે આમંત્રણ મળ્યું છે. આ માટે 14 વર્ષીય દીકરી માહીને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત સમગ્ર મંત્રીમંડળે માહી અને તેના પરિવારને અભિનંદન પાઠવ્યા છે.

14 વર્ષીની દીકરીએ વૈશ્વિક સ્તરે ગુજરાતનો ડંકો વગાડ્યો

રાજ્યના નાગરિકોનું હિત અને સર્વાંગી વિકાસ એ ગુજરાત સરકારની કાર્યશૈલીના કેન્દ્રમાં છે, તેમ જણાવતાં પ્રવક્તા પ્રધાને કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા નાગરિકોના હિતમાં અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવે છે. આ જાહેરાતો અને નિર્ણયોનો લાભ રાજ્યના છેવાડાના નાગરિક સુધી સુયોગ્ય રીતે પહોંચે તેની ખાતરી કરવાની જવાબદારી વહીવટી તંત્રની છે.

સરકાર દ્વારા લેવાતા દરેક પ્રજાલક્ષી નિર્ણયો અને દરેક યોજનાનું સત્વરે અમલીકરણ થાય તે માટે મુખ્ય પ્રધાને કેબિનેટ બેઠકમાં સૂચના આપી છે. આ ઉપરાંત કોઈપણ પ્રજાલક્ષી નિર્ણય બાદ તેમાં કોઈ પણ પ્રકારના વિલંબ વગર ત્વરિત અમલીકરણ કરવા પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.

આ ઉપરાંત આગામી 10 જાન્યુઆરીથી રાજકોટ ખાતે યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ અંગે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી તમામ તૈયારીઓ અને આયોજનની મુખ્ય પ્રધાને તલસ્પર્શી માહિતી મેળવીને સમીક્ષા કરી હતી. સાથે જ તેમણે, આ સમિટને વધુ સાર્થક બનાવી સામાન્ય નાગરિકો માટે રોજગારીની નવી તકો ઊભી કરવા માટે વહીવટી તંત્રને અત્યારથી જ સજ્જ થવા સૂચના આપી છે, તેમ જણાવ્યું હતું.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button