ગંભીરા બ્રિજનું નિર્માણ ક્યારે કર્યું અને 100 વર્ષના દાવા પોકળ સાબિત થયા?

વડોદરાઃ વડોદરા જિલ્લામાં આવેલા ગંભીરા બ્રિજ બુધવારે તૂટી પડ્યો હતો. પાદરા અને આણંદ જિલ્લાને જોડતો આ બ્રિજ મહીસાગર નદી પર બનેલો આ બ્રિજ વચ્ચેથી તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 15 લોકોના મોત થયા છે, જ્યારે ત્રણ હજી પણ લાપતા છે. આ બ્રિજ જર્જરિત અને ચિંતાજનક સ્થિતિમાં હતો એવું અધિકારીઓ જાણતા હતા, તેમ છતાં અધિકારીઓેએ આંખ આડા કાન કર્યાં હતાં. એટલું જ નહીં પરંતુ 2022માં એક જાગૃત સામાજિક આગેવાન દ્વારા પણ તંત્રને જાણ કરવામાં આવી હતી. આ મુદ્દે વારંવાર સ્થાનિક સરપંચ દ્વારા તંત્રનું ધ્યાન દોર્યું હોવા છતાં કોઈ પગલાં નહીં ભર્યા એના અંગે સરકાર પર પસ્તાળ પડી છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે આ બ્રિજ ક્યારે બનાવ્યો અને એનો વખતોવખત મરમ્મત કેમ ના ન થઈ શકી એના અંગે પણ ગંભીર સવાલો ઊભા થયા છે.
100 વર્ષના દાવા પોકળ સાબિત થયા
પાદરા અને આણંદ જિલ્લાને જોડતા ગંભીરા બ્રિજનું નિર્માણ 1985માં કરવામાં આવ્યું હતું. આ બ્રિજ 40 વર્ષ જૂનો હતો. જ્યારે આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું ત્યારે એવો દાવો કરવામાં આવ્યો હતો કે, આગામી 100 વર્ષ સુધી આ બ્રિજને કંઈ જ નહીં થાય! પરંતુ માત્ર 40 વર્ષમાં જ દાવા પોકળ સાબિત થઈ ગયા છે. 100 વર્ષના દાવા કરવામાં આવ્યાં તે બધા પોકળ જ સાબિત થયા ને? આવી રીતે જ દેશમાં કામ કરવામાં આવશે તો વિકાસ કેવી રીતે થશે? આ બ્રિજ કોણે બનાવ્યો? બ્રિજ બનાવવા માટે કેવા મટિરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? આ દરેક બાબતે તપાસ થવી જરૂરી છે.
ગયા વર્ષે તેના પર સમારકામનું કામ કરવામાં આવ્યું હતું
આ મામલે એન્જિનિયર એનએમ નાયકવાલાએ કહ્યું હતું કે ‘ગંભીરા બ્રિજ જર્જરિત સ્થિતિમાં નહોતો. ગયા વર્ષે તેના પર સમારકામનું કામ કરવામાં આવ્યું હતું અને આ વર્ષે પણ ખાડા ભરાઈ ગયા હતા. અમારા નિરીક્ષણ અહેવાલમાં કોઈ મોટું માળખાકીય નુકસાન દર્શાવવામાં આવ્યું નથી. બ્રિજને સુરક્ષિત માનવામાં આવ્યો હતો. આ અંગે નક્કર તપાસ કરવામાં આવ્યા પછી બ્રિજ તૂટી પડવાનું ચોક્કસ કારણ જાણી શકાશે’.
વડોદરા અને આણંદ જિલ્લાના ગામડાઓનો સંપર્ક તૂટ્યો
ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યના માર્ગ અને મકાન વિભાગ અને બ્રિજ બાંધકામમાં નિષ્ણાત ખાનગી ઇજનેરોની ટીમો બ્રિજ તૂટી પડવાના કારણો અને અન્ય તકનીકી બાબતોની પ્રાથમિક તપાસ કરવા આદેશ આપી દીધી હતા. ગંભીરા પુલ તૂટી પડવાથી વડોદરા અને આણંદ જિલ્લાના ગામડાઓ તેમ જ મુસાફરોનો સંપર્ક તૂટી ગયો છે. આ પુલ બોરસદ અને તેની આસપાસના લોકો માટે મુસાફરીનું મુખ્ય સાધન હતું. અત્યારે તંત્ર દ્વારા વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવામાં આવી છે.