વડોદરા

વડોદરા શહેરમાં જાન્યુઆરીથી ઇલેક્ટ્રીક બસ સેવા શરૂ થશે, પ્રથમ તબક્કામાં 40 બસો દોડશે

વડોદરાઃ વડોદરા શહેરની જાહેર પરિવહન વ્યવસ્થાને આધુનિક અને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વડોદરા શહેરના વિકાસ અને પ્રદૂષણ નિયંત્રણ માટે આ નિર્ણય ઘણો લાભદાયી સાબિત થઈ શકે તેમ છે. વડોદરા મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, જાન્યુઆરીથી વડોદરામાં ઇલેક્ટ્રીક બસ સેવા શરૂ કરી દેવામાં આવશે. આ યોજનામાં પર્યાવરણને અનુકૂળ પરિવહન પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં 40 ઈ-બસો દોડાવવામાં આવશે.

જાન્યુઆરી મહિનાથી વડોદરા શહેરમાં ઇલેક્ટ્રીક બસો દોડતી થશે

વધારે વિગતે વાત કરવામાં આવે તો, આ યોજના વડોદરા શહેરના વધતા પ્રદૂષણ અને ટ્રાફિકની સમસ્યા વચ્ચે લોકો માટે મોટી રાહત રૂપ સાબિત થવાની છે. વીએમસીનું લાંબા ગાળાનું આયોજન કુલ 250 ઈલેક્ટ્રિક બસોને શહેરના રોડ પર દોડતી કરવાનું છે જો કે, તેના માટે સમય લાગી શકે તેમ છે. ઈ-બસો કાર્બન ઉત્સર્જન ઘટાડવા, નોઇઝ પોલ્યુશન ઓછું કરવા અને ઓપરેશનલ ખર્ચ ઘટાડવામાં મદદરૂપ થશે. વડોદરાના એર ક્વોલિટી ઇન્ડેક્સને નિયંત્રણમાં રાખવા માટે પણ કોર્પોરેશન દ્વારા આ નવો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Rajkot કોર્પોરેશન અને રૂડાના 565 કરોડના વિકાસ કાર્યોનું સીએમના હસ્તે લોકાર્પણ- ખાતમુહૂર્ત

પ્રદૂષણ નિયંત્રિત માટે વીએમસી ખાસ ‘સ્મોક ગન્સ’ ખરીદશે

વડોદરા મ્યુનિસિપલ કમિશ્નરે જણાવ્યું કે, વડોદરા શહેરમાં વધતા ધૂળ-ધૂમાડાને નિયંત્રિત કરવા વીએમસી ખાસ ‘સ્મોક ગન્સ’ ખરીદશે. આ સ્મોક ગન્સ હવામાં ઉડતા ધૂળના રજકણોને બેસાડીને વાયુ પ્રદૂષણ ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવશે. વડોદરા શહેરના વ્યસ્ત માર્ગ, બાંધકામ વિસ્તાર, ફ્લાયઓવર નીચે અને ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં આ સ્મોક ગન્સનો ઉપયોગ કરવામાં આવશે, જેથી પ્રદૂષણને નિયંત્રણમાં લાવી શકાય. વીએમસી દ્વારા ઈ-વ્હિકલ્સને પ્રોત્સાહન આપવા, હરિત ઝોન વધારવા અને મોટા પાયે વૃક્ષારોપણ પણ કરવામાં આવશે. વડોદરાને ‘પ્રદૂષણમુક્ત અને સ્માર્ટ ટ્રાન્સપોર્ટ’ મોડલ સિટી બનાવવાની દિશામાં કાર્ય કરવામાં આવશે તેવી વીએમસીના કમિશ્નર દ્વારા ખાતરી પણ આપી હતી.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button