મહિલાની છેડતીની બબાલ વકરી, વડોદરાના બાપોદમાં પથ્થરમારો, વિસ્તારમાં તણાવ

વડોદરા: વડોદરામાં બે જૂથ વચ્ચે અથડામણ બાદ પથ્થરમારો અને મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે. વડોદરાના બાપોદ વિસ્તારમાં એક જ કોમના બે જૂથો વચ્ચે મોડી રાત્રે પથ્થરમારો અને મારામારીની ઘટના સામે આવી છે. બાપોદના વિજયનગર માળી મોહલ્લામાં અસામાજિક તત્ત્વો દ્વારા મહિલાઓની છેડતી કરવામાં આવતી હોવાના આક્ષેપ બાદ આ ઘટના બની હતી.
મહિલાની છેડતીના મુદ્દે જુથ અથડામણ
મળતી વિગતો અનુસાર મહિલાની છેડતીના આક્ષેપને પગલે બે જૂથના લોકો સામસામે આવી ગયા હતા. વાત બોલાચાલીથી શરૂ થઈ હતી અને જોતજોતામાં આ ઘટના મારામારી અને પથ્થરમારા સુધી પહોંચી ગઈ હતી. આ ઘટનામાં મહિલાઓ સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ પથ્થરમારો પૂર્વઆયોજિત હતો?
આ ઘટના અંગે સ્થાનિક લોકોનું કહેવું છે કે દીકરીઓની છેડતીના મુદ્દે આ બબાલ થઈ હતી. પહેલા બંને જૂથો વચ્ચે બોલાચાલી થઈ અને ત્યારબાદ અચાનક પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. જો કે અચાનક થયેલી આ ઘટનામાં આટલી મોટી સંખ્યામાં પથ્થરો ક્યાંથી આવ્યા તે અંગે પોલીસ પણ તપાસ કરી રહી છે. આ પથ્થરમારો પૂર્વઆયોજિત હતો કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.
પોલીસે બંને પક્ષે નોંધી ફરિયાદ
આ ઘટના અંગે સ્થાનિકોએ પોલીસ મોડી પહોંચી હોવાનો આક્ષેપ કર્યો હતો. સમગ્ર ઘટના અંગે બાપોદ પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં ઘટના સ્થળે પોલીસની એક ટીમ તૈનાત કરવામાં આવી છે અને વિસ્તારમાં પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને.
આ પણ વાંચો…..માતાને સાચવવા નાના ભાઈ કરતાં વધુ ભરણપોષણ શા માટે આપું?, કોર્ટે ચઢ્યો દીકરો