વડોદરા પાસે નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બે મિત્રોના મોત…

વડોદરા: અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે ફરી એકવાર લોહીલુહાણ થયો છે. વડોદરા શહેરમાં વાઘોડિયા ચોકડી પાસે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવી રહેલા એક અજાણ્યા વાહને બાઈક પર જઈ રહેલા બે મિત્રોને જોરદાર ટક્કર મારતા આખું વાતાવરણ ગમગીન બની ગયું હતું. હાઈવે પર વધતા જતા ટ્રાફિક અને બેફામ વાહનચાલકોને કારણે નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવવો પડ્યો છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
સૂત્રોની જાણકારી પ્રમાણે, વડોદરાના રહેવાસી દિલીપભાઈ અને ગંભીરભાઈ બંને ખાસ મિત્રો હતા. તેઓ સરદાર એસ્ટેટ પાસે એકઠા થયા હતા અને ત્યાંથી રૂટિન મુજબ બાઈક લઈને શાકભાજીની ખરીદી કરવા નીકળ્યા હતા. કમનસીબે, જ્યારે તેઓ વાઘોડિયા બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે કાળ બનીને આવેલા એક અજ્ઞાત વાહને પાછળથી ટક્કર મારી હતી. આ ટક્કરને કારણે બંને મિત્રો ફંગોળાઈને રોડ પર પટકાયા હતા, જેમાં દિલીપભાઈનું ગંભીર ઈજાઓને કારણે ઘટનાસ્થળે જ પ્રાણપંખેરુ ઊડી ગયું હતું.
અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. સ્થાનિકોએ તાત્કાલિક એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરી હતી. ગંભીર રીતે ઘવાયેલા બીજા મિત્ર ગંભીરભાઈને તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલ (SSG) ખાતે ખસેડવામાં આવ્યા હતા. તબીબોએ તેમને બચાવવા માટે પૂરતા પ્રયાસો કર્યા હોવા છતાં, સારવાર દરમિયાન તેમણે પણ અંતિમ શ્વાસ લીધા હતા.
આ ઘટનાને પગલે નેશનલ હાઈવે પર કલાકો સુધી ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. કપુરાઈ પોલીસ સ્ટેશને આ મામલે અકસ્માત અને હિટ એન્ડ રનનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ અત્યારે હાઈવે પર લાગેલા CCTV ફૂટેજની તપાસ કરી રહી છે જેથી ટક્કર મારીને ફરાર થઈ ગયેલા અજાણ્યા વાહનચાલકની ઓળખ કરી શકાય. હાઈવે પર અવારનવાર બનતી આવી ઘટનાઓએ માર્ગ સલામતી સામે ફરી એકવાર મોટા પ્રશ્નાર્થો ઉભા કર્યા છે.
આ પણ વાંચો…વડોદરા શહેરમાં જાન્યુઆરીથી ઇલેક્ટ્રીક બસ સેવા શરૂ થશે, પ્રથમ તબક્કામાં 40 બસો દોડશે



