વડોદરામાં બેંકના નિવૃત્ત અધિકારી બન્યા ડિજિટલ એરેસ્ટનો શિકાર, ઠગોએ રૂપિયા 64.41 લાખ પડાવ્યાં | મુંબઈ સમાચાર
વડોદરા

વડોદરામાં બેંકના નિવૃત્ત અધિકારી બન્યા ડિજિટલ એરેસ્ટનો શિકાર, ઠગોએ રૂપિયા 64.41 લાખ પડાવ્યાં

વડોદરાઃ વડોદરામાં એક નિવૃત્ત બેંક અધિકારી ડિજિટલ એરેસ્ટનો શિકાર બન્યાં હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ઠગ ટોળકીએ મકરપુરા રોડ વિસ્તારમાં રહેતા 67 વર્ષીય વિવેકાનંદેને સતત વીડિયો કોલ ઉપર ડિજિટલ એરેસ્ટ રાખી રૂપિયા 64.41 લાખ પડાવી લીધા હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ સમગ્ર મામલે સાયબર સેલ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મની લોન્ડરિંગ કેસની ધમકી આપીને આરોપીઓએ ફરિયાદી સાથે ઠગાઈ કરીને રૂપિયા પડાવ્યાં છે.

મની લોન્ડરિંગ નામે નિવૃત્ત અધિકારીને ડિજિટલ એરેસ્ટ કર્યાં

આરોપીઓએ ફરિયાદીને ફોન કરીને કહ્યું કે, તમારા આધાર કાર્ડ પર કેટલાક સીમ કાર્ડ એક્ટિવ થયા છે, જેનો મની લોન્ડરિંગ માટે ઉપયોગ કરવામાં આવ્યો છે. જેના કારણે તમારે મુંબઈ સાયબર ક્રાઈમમાં ઓનલાઈન તપાસમાં ડિજિટલ એરેસ્ટ રહેવું પડશે. આરોપીઓએ ફરિયાદીને એવું પણ કહ્યું હતું કે, તમારા નામે હરિયાણા, પંજાબ અને તમિલનાડુ સહિત અનેક રાજ્યોમાં બેંક એકાઉન્ટ પણ ખોલવામાં આવ્યાં છે.

આ પણ વાંચો : ફરી ડિજિટલ એરેસ્ટનો ભોગ બન્યું કચ્છનું દંપતીઃ 21 લાખ પડાવી લીધા ઠગોએ

ધરપકડ કરવાની પણ ધમકી આપવામાં આવી

સાદા કોલમાં આટલું કહ્યા બાદ ફરિયાદીને વીડિયો દ્વારા ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યાં હતાં. એટલું જ નહીં પરંતુ કેનારા બેંકના નામે ફ્રોડમાં ફરિયાદીનું નામ આવ્યું હોવાનું જણાવ્યું હતું. આ માહિતીના કારણે ફરિયાદી ગભરાઈ ગયાં હતા. ફરિયાદીને ધમકીઓ પણ આપી હતી કે, જો તમે અમારી સાથે ઓનલાઈન ઇન્કવાયરી ચાલુ નહીં રાખો તો તેમની ધરપકડ કરવામાં આવશે. ત્યાર બાદ તેમના બેંક ખાતાની માહિતી, પાન કાર્ડ અને આધાર કાર્ડના ફોટા પણ માંગાવી લીધા હતા. આરોપીઓએ સતત 18 દિવસથી ફરિયાદીને ડિજિટલ એરેસ્ટમાં રાખ્યાં હતાં.

આ પણ વાંચો : કચ્છમાં ડિજિટલ એરેસ્ટનો વધુ એક કિસ્સો, પોલીસના નામે ધમકાવી રૂ. ૩૬.૬૩ લાખ પડાવ્યા

ઠગોએ કુલ 64.41 લાખ રૂપિયા પડાવ્યા

આરોપીઓએ ફરિયાદીને વિશ્વાસમાં લેવા માટે આરબીઆઈનો ફેક લેટર પણ મોકલ્યો હતો, જેમાં 14.98 લાખ રૂપિયાની રકમ લખેલી હતી. નિવૃત અધિકારી પાસેથી ઠગોએ કુલ 64.41 લાખ રૂપિયા પડાવી લીધા હતા. જ્યારે આરોપીઓ હજી વધારે 14.38 લાખ ટ્રાન્સફર કરવાનું કહ્યું ત્યારે છેતરપિંડી થયાની ખબર પડી અને સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા વારંવાર લોકોને ચેતવણી આપવામાં આવી છે કે, પોલીસ ક્યારેય કોઈને ડિજિટલ એરેસ્ટ કરતી નથી. જેથી કોઈ વ્યક્તિ આવી ધમકી આપે તો સત્વરે સાયબર પોલીસને સંપર્ક કરીને ફરિયાદ નોંધાવવી જોઈએ.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button