વડોદરા

વડોદરાની MS યુનિવર્સિટીમાં યોજાયો 74મો દીક્ષાંત સમારોહ, 354 સુવર્ણપદકો એનાયત…

વડોદરાઃ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના 74મા દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને શિક્ષણ પ્રધાન ડૉ. પ્રદ્યુમન વાજા સહિતના મહાનુભાવો દ્વારા કુલ 354 સુવર્ણપદકો એનાયત કરવામાં આવ્યા હતા. 229 સુવર્ણપદક મેળવનારમાં 163 વિદ્યાર્થિનીઓ અને 66 વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ડૉ. પ્રદ્યુમન વાજા, યુનિવર્સિટીના વ્યવસ્થાપક મંડળના સભ્યો, વિવિધ વિદ્યાશાખાનો વડાઓ, પ્રાધ્યાપકો, સુવર્ણપદક વિજેતા અને પદવીધારક વિદ્યાર્થીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, યુનિવર્સિટીનો સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓના વાલીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી

વધારે વિગતે વાત કરવામાં આવે તો, દીક્ષાંત પ્રવચનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સુવર્ણપદક મેળવનાર અને પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી હતી. આ દરમિયાન આચાર્ય દેવવ્રતે કહ્યું કે, આજનો દિવસ મહત્વનો હોવાની સાથે મંથન કરવાનો પણ છે.

વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારત માટે આપણે શું યોગદાન આપી શકીએ, તે દીક્ષાંત સમારોહના પવિત્ર દિવસે ચોક્કસથી વિચારવું જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતના ભવ્ય અને સમૃદ્ધ વારસા તેમજ ગૌરવને ફરી પ્રસ્થાપિત કરી તેને આગળ વધારવાનું કામ કરી રહ્યા છે, ત્યારે સમાજને શિક્ષિત, વિકસિત અને સમૃદ્ધ બનાવવાની જવાબદારી યુવાઓના શિરે હોય છે.

રાજ્યપાલએ મહારાજાના શિક્ષણપ્રેમ અને પ્રજાપાલનની વાત કરી

વધુમાં રાજ્યપાલે કહ્યું કે, સમાજકલ્યાણનો ભાવ રાખીને ભારતીય જીવન મૂલ્યો અને સંસ્કૃતિના અભિન્ન અંગ બનવા રાજ્યપાલએ ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો. મહારાજા સયાજીરાવ ગાયકવાડનું જીવન આજની અને આવનારી પેઢી માટે પ્રેરણાસ્ત્રોત છે તેમ કહીને રાજ્યપાલએ મહારાજાના શિક્ષણપ્રેમ અને પ્રજાપાલનની વાત કરી હતી.

નવસ્નાતકોને શીખ આપતા રાજ્યપાલે વધુમાં કહ્યું કે, યુનિવર્સિટીમાંથી જે શિક્ષણ મેળવ્યું છે, એના ઉપયોગ થકી સમાજને પરત આપવાનો સમય છે. શિક્ષણનો ઉદ્દેશ શ્રેષ્ઠ સમાજ અને ઉન્નત રાષ્ટ્ર નિર્માણનો છે.

દીક્ષાંત સમારોહનું આગવું મહત્વ રહેલું છે

પ્રાચીન ભારતમાં દીક્ષાંત સમારોહનું આગવું મહત્વ સંસ્કૃતના શ્લોકો અને વેદોના ઉલ્લેખ સાથે સમજાવીને રાજ્યપાલએ ગુરૂકુળમાં મળતા શિક્ષણધન અને સમાવર્તન સંસ્કારની રસપ્રદ અને પ્રેરક પરંપરાની ઝાંખી કરાવી હતી. તેમણે પદવી મેળવનારા વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું હતું કે, હવે તમે કાર્યક્ષેત્રમાં જઈ રહ્યા છો, ત્યારે સમાજ અને દેશને તમારાથી ખૂબ અપેક્ષાઓ છે. સત્યના આચરણ સાથે કર્તવ્યનું પાલન અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને હૈયે રાખીને વિદ્યાનો વ્યાપ સમાજના તમામ વર્ગ અને લોકોમાં ફેલાવવા માટે રાજ્યપાલએ આહ્વાન કર્યું હતું.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button