વડોદરા અકસ્માતઃ રક્ષિત ચૌરસિયાને 11 દિવસ બાદ ફેસ સર્જરી માટે લાવવામાં આવ્યો હોસ્પિટલ…

વડોદરાઃ શહેરમાં હોળીના દિવસે કારેલીબાગ વિસ્તારમાં બેફામ કાર ચલાવી રક્ષિત ચૌરરિસાએ આઠ લોકોને ઉડાવ્યા હતા. જેમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે આરોપીએ અકસ્માત સર્જયો ત્યારે હાજર લોકોએ તેને ઢોર માર માર્યો હતો. જેના પગલે તેના મોઢાના ભાગે ઈજાઓ પહોંચી હતી. ત્યારે હવે ઘટનાના 11 દિવસે આરોપીને મોઢાની પ્લાસ્ટીક સર્જરી માટે સયાજી હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો.
મોઢાના ભાગે ફ્રેક્ચર
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં અકસ્માતની ઘટનામાં આરોપી રક્ષિત ચૌરસિયા સામે સાપરાધ મનુષ્યવધ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા તેને જેલમાં મોકલવામાં આવ્યો હતો, ત્યારે આ આરોપીને મોઢાના ભાગે ઈજાઓ હોવાથી તેની સારવાર જેલના ડોક્ટર પાસે કરવામાં આવી રહી હતી. જ્યારે વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જન વિભાગમાં મોકલવામાં આવ્યો હતો. જ્યાં તેના મોઢાના ભાગે ઇન્જરી હોવાથી ફ્રેક્ચર હોવાનું જાણવા મળ્યું છે અને આગામી દિવસોમાં સર્જરી થઈ શકે તેવી માહિતી બહાર આવી છે.
આ પણ વાંચો:વડોદરા અકસ્માતનું ડેનિશ ફિલ્મ સાથે શું કનેક્શન છે? પોલીસને આરોપીના ઘરેથી મળ્યું પોસ્ટર…
આ અંગે સયાજી હોસ્પિટલના RMOએ જણાવ્યું હતું કે, હાલમાં તેની સારવાર સયાજી હોસ્પિટલમાં ચાલી રહી છે. આરોપીને સર્જરી વિભાગમાં લાવવામાં આવ્યો હતો અને તેની ચકાસણી કરવામાં આવી હતી. હાલમાં મોઢાં ભાગે ઓપરેશન કે સર્જરી કરવાની થશે તો તે પણ કરવામાં આવશે.
સમગ્ર ઘટના ક્રમ
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા મુક્તાનંદ સર્કલ પાસે ગત 13મી માર્ચ, 2025 રાત્રે નશામાં ચૂર કારચાલકે આઠ લોકોને અડફેટે લઈને ફૂટબોલની જેમ ફંગોળ્યા હતા, જેમાં હેમાલીબેન પટેલ નામની મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે તેમના પતિ પૂરવ પટેલને ગંભીર ઈજા થઈ હતી. આ ઘટનામાં કુલ એક બાળક અને એક બાળકી સહિત સાત લોકો ઘાયલ થયા હતા.
અકસ્માત બાદ ઘટનાની પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે આરોપી કારચાલક રક્ષિત ચૌરસિયા (વારાણસી, ઉત્તરપ્રદેશ)ની ધરપકડ કરી સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો હતો. કારચાલક રક્ષિત ચૌરસિયા એમ.એસ.યુનિવર્સિટીમાં કાયદાનો, જ્યારે પ્રાંશુ ચૌહાણ પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. હાલમાં આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા જેલમાં છે.