વડોદરાના ગોરવામાં પાણી મુદ્દે લોકોમાં રોષ, ધારાસભ્ય અને ડેપ્યુટી મેયરના ફોટો પર ગંદુ પાણી રેડ્યું

(અમારા પ્રતિનિધિ તરફથી)
વડોદરાઃ વડોદરામાં થોડા સમય પહેલા પાંચ ધારાસભ્યોએ સીએમને પત્ર લખીને ફરિયાદ કરી હતી કે અધિકારીઓ તેમની વાત સાંભળતા નથી.હવે વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં પાણીની સમસ્યાને પગલે સ્થાનક લોકો આક્રમક બન્યા હોવાનું જાણવા મળ્યું છે. વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલા વોર્ડ નં 11માં આવેલી શિવશકતિ સોસાયટીમા પીવાના પાણીની સમસ્યાથી ત્રાસેલા સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઘણાં સમયથી પાણી આવતું ના હોવાથી લોકોએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે.
લોકોએ કોર્પોરેશન અને ધારાસભ્યા સામે વિરોધ નોંધાવ્યો
વધારે વિગતે વાત કરવામાં આવે તો, રહીશોએ ‘પાણી આપો…પાણી આપો…’ અને ‘હાય રે કોર્પોરેશન… હાય…હાય’ના નારા લગાવીને તંત્રનો વિરોધ કર્યો હતો. આ સમગ્ર મામલે સ્થાનિકોએ ધારાસભ્ય કેયુર રોકડિયા અને ડેપ્યુટી મેયર ચિરાગ બારોટના ફોટો પર ગંદુ પાણી રેડી માટલા ફોડ્યાં હતાં. પીવા માટે પણ સારૂ પાણી ના મળતું હોવાના કારણે લોકોએ ધારાસભ્ય અને ડેપ્યુટી મેયરનો વિરોધ કર્યો હતો.
કેમ લોકોને પીવા માટે શુદ્ધ પાણી પણ આપવામાં નથી આવતું?
સ્થાનિકોના જણાવ્યાં પ્રમાણે વડોદરા શહેરના આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગંદુ પીવાનું પાણી આવી રહ્યું છે. જેથી સ્થાનિકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે લોકોએ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ સાથે જ આગામી સમયમાં જો આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો પાલિકાના મ્યુનિસિપલ કમિશનર પર જળાભિષેક કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આખરે શા માટે તંત્ર દ્વારા આવી બેદરકારી રાખવામાં આવી રહી છે. લોકોને પીવા માટે શુદ્ધ પાણી પણ ના મળતું હોય તો ખરેખર આ સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે.
આ પણ વાંચો ગુજરાત હાઈકોર્ટે તમામ રામસર સાઈટ ઈકો સેન્સિટીવ ઝોનમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકવા નિર્દેશ આપ્યો



