ગુજરાત ભાજપમાં ભડકો, સસ્પેન્ડ થયેલા કોર્પોરેટરે ધારાસભ્ય પર લગાવ્યો આરોપ

વડોદરાઃ ગુજરાત ભાજપમાં ભડકો થયો છે. વડોદરાના સસ્પેન્ડ કરવામાં આવેલા કોર્પોરેટરે ભાજપના ધારાસભ્ય પર આરોપ લગાવતાં સ્થાનિક રાજકારણ ગરમાયું હતું. મળતી વિગત પ્રમાણે, વડોદરામાં છેલ્લા કેટલાક સમયથી ભાજપા સામે બાંયો ચઢાવનાર વોર્ડ નંબર 15 ના ભાજપા કાઉન્સિલર આશિષ જોષીને ભાજપ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
કાઉન્સિલર આશિષ જોષીએ તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સાથે સામાન્ય સભામાં કાંસની સફાઇ બાબતે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું. આ ઉપરાંત અનેક વખત ભાજપાની આબરુ કાઢતા નિવેદનો અને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. આ અંગે શહેર ભાજપા દ્વારા નોટિસ પણ આપવામાં આવી હતી. તાજેતરમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ વડોદરાની મુલાકાતે આવ્યા ત્યારે પંડિત દિનદયાલ ઉપાધ્યાય કાર્યક્રમમાં હરણી બોટકાંડની પીડિત મહિલાઓએ તેમને સાંભળવામાં આવે તેવી રજૂઆત કરી હતી. મુખ્ય પ્રધાને તેમને સ્પેશિયલ એજન્ડા લઈને આવ્યા છો તેમ કહ્યું હતું. આ પ્રકરણમાં ભાજપના કોર્પોરેટર આશિષ જોષી બંને મહિલાઓ સાથે સંપર્કમાં હોવાથી કાર્યવાહી કરવામાં આવશે તેવી ચર્ચા શરૂ થઈ હતી.
આશિષ જોશીને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની સત્તાવાર જાહેર કરવામાં આવી હતી. જે બાદ તેમણે કહ્યું કે, મને સસ્પેન્ડ કરવા પાછળ ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ ઉચ્ચ સ્તરે ખોટી રજૂઆતો કરી પ્રોપોગેન્ડ સાથેની નોટિસ અપાવીને સસ્પેન્ડ કરાવ્યો છે.
આ પણ વાંચો…ગુજરાત ભાજપમાં આગામી સપ્તાહે થશે નવા જૂની, ટોચના નેતાઓ પહોંચ્યા દિલ્હી દરબારમાં…