વડોદરા ભાજપમાં એક જ વોર્ડના સાત કાર્યકર્તાની નિમણૂકથી વિવાદની શક્યતા

વડોદરાઃ ગુજરાતમાં ભાજપ દ્વારા વિવિધ શહેરો, જિલ્લા, તાલુકા પ્રમુખની વરણી કરવામાં આવ્યા બાદ ક્યાંકને ક્યાંક વિવાદ સામે આવતો રહ્યો છે. વડોદરામાં ભાજપની વોર્ડ કક્ષાની આંતરિક જૂથબંધી સામે આવી હતી. વોર્ડ સમિતિમાં એક જ વિસ્તારમાં સાત કાર્યકર્તાની નિમણૂક કરવામાં આવતા વિવાદ વકરે તેવી શક્યતા છે.
આ ઉપરાંત જે કાર્યકર્તા સામે પોલીસ ફરિયાદ થઈ છે તેવા કાર્યકર્તાની નિમણૂક કરવામાં આવી છે. તેમજ જ્યાં કોંગ્રેસનું વર્ચસ્વ છે ત્યાં ભાજપના એક પણ કાર્યકર્તાનો વોર્ડ સમિતિમાં સમાવેશ ન કરવામાં આવતો આ મુદ્દો સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
આપણ વાંચો: આવતીકાલે ગુજરાતમાં ભાજપની વકફ સંશોધન બિલ મુદ્દે મહત્વની બેઠક…
મળતી વિગત પ્રમાણે, વોર્ડ નંબર-1 છેલ્લા ત્રણ ચાર ટર્મથી કોંગ્રેસના ઉમેદવારોની પેનલ આવે છે. તેમાં કેટલાક વિસ્તારો કોંગ્રેસ તરફી મતદાન કરે છે. અગાઉ ભાજપની વોર્ડ કક્ષાની આંતરિક જૂથબંધીને કારણે ભાજપના ઉમેદવારને બહારથી મૂકવામાં આવતા કોર્પોરેશનની ચૂંટણીમાં વિરુદ્ધમાં કામગીરી કરી હરાવ્યા હતા.
તેજ રીતે કોર્પોરેશનની ગત ચૂંટણીમાં પણ પૂર્વ સ્થાયી સમિતિ અધ્યક્ષને પણ ભાજપના જ કાર્યકર્તાઓએ હરાવ્યા હતા. જે અંગે પૂર્વ અધ્યક્ષે પક્ષના પ્રમુખને લેખિતમાં જાણ કરી હતી. છતાં આજદિન સુધી કોઇ પગલાં ભરાયા નથી.
આપણ વાંચો: ગુજરાતમાં ભાજપ-કૉંગ્રેસના નેતાને કોર્ટનું તેડું, જાણો શું છે મામલો
ભાજપના મહિલા કાર્યકર્તાને બે વખત ટિકીટ આપી હતી અને તેઓ હારી ગયા છતાં તેમના પરિવારમાંથી વોર્ડ સમિતિમાં નિમણૂક આપવામાં આવી છે. તાજેતરમાં વોર્ડ નંબર-2 થી 19ની રચના થઇ તેમાં વોર્ડ નંબર-1 બાકાત રાખવામાં આવ્યો હતો અને નવા શહેર પ્રમુખે કાર્યકર્તાઓની યાદી તૈયાર કરી હતી.
તેમાંથી કેટલાક કાર્યકર્તાઓને ફોન કરી તમને મળવા આવીશ તેવી ખાતરી આપી હતી. પરંતુ આજદિન સુધી તે કાર્યકર્તાઓને મળવા ગયા નહી. એટલું જ નહી નવા પ્રમુખે તેઓને હોદ્દો નહી આપી અન્યાય કર્યો હોવાનું કાર્યકર્તાઓમાં ચર્ચાઇ રહ્યું છે.