‘બાઈક સીધું નદીમાં ખાબક્યું…’ ગંભીરા બ્રિજ દુર્ઘટનાના પ્રત્યક્ષદર્શીનો રૂંવાડા ઊભા કરી દેતો અનુભવ

વડોદરા: મોરબી બ્રીજ દુર્ઘટના, હરણી તળાવ બોટ દુર્ઘટના, ટીઆરપી ગેમ ઝોન આગ્નીકાંડ, એર ઇન્ડિયા પ્લેન ક્રેસ બાદ ગઈ કાલે ગુજરાતમાં વધુ એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. મહીસાગર નદી પર બનેલો વડોદરા અને આણંદને જોડતો ગંભીરા બ્રીજનો એક ભાગ તૂટી જતાં છ વાહનો નીચે ખાબક્યા (Gambhira bridge collapse) હતાં, જેમાં 15 લોકોના મોત નીપજ્યા હતાં. આ ઘટનાના પડઘા ગુજરાત ઉપરાંત રાષ્ટ્રીય સ્તરે પડ્યા છે, આ ઘટના બાદના ભયાનક દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતાં. આ ઘટનાસમયની સ્થિતિ એક પીક અપવાનના ડ્રાઈવરે વર્ણવી છે.
પિકઅપ વાનનાં ડ્રાઈવરે એક ખાનગી મીડિયા ચેનલ સાથે વાત કરતા ઘટના સમયનાં ભયાનક દ્રશ્ય વિષે જણાવ્યું. ડ્રાઈવરે કહ્યું, તેઓ અન્ય બે લોકો સાથે એક પિકઅપમાં સવાર હતાં. પુલ પર ટ્રાફિક જામ હતો. વાહન અટકેલું હતું અને અચાનક પુલ ધ્રુજવા લાગ્યો. પાછળથી એક જોરદાર અવાજ આવ્યો અને તેઓ કઈ સમજી શકીએ તે પહેલાં, પુલનો એક ભાગ અચાનક તૂટી પડ્યો.
બાઈક સીધું નદીમાં ખાબક્યું:
તેમણે કહ્યું કે જોખમનો અણસાર આવી જતાં પીકઅપ વાનમાં સવાર ત્રણેય લોકો ઝડપથી નીચે ઉતારી ગયા. સદનસીબે, ત્રણેય બચી ગયા. તેમણે કહ્યું, “અમે પસાર થઇ રહેલા બે બાઇક સવારોને ચેતવણી આપી અને તેમને રોકવાની કોશિશ કરી. એક બાઈક રોકાઈ ગયું પણ બીજા બાઈકનો ચાલક બ્રેકના લગાવી ન શક્યો અને બાઈક સીધું પુલ પરથી નીચે નદીમાં ખાબક્યું.
ડ્રાઈવરે ઘટના સમયની ભયાનકતા વર્ણવતા કહ્યું એક મહિલા જોરથી બૂમો પાડી રહી હતી અને પુલના તૂટેલા ભાગ પાસે એક ટેન્કર લટકતું હતું.
આ પણ વાંચો…ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 10 થયોઃ વિપક્ષે સરકારની કાઢી ઝાટકણી