
નવરાત્રિનો તહેવાર ગુજરાતના દરેક ખૂણે ઉત્સાહ અને ઉમંગ લઈને આવે છે, પરંતુ આ વખતે વડોદરાના યુનાઈટેડ વે ગરબા ગ્રાઉન્ડમાં પહેલા જ નોરતે અણધાર્યો વિવાદ સર્જાયો હતો.
ગરબા રમવા આવેલા ખેલૈયાઓએ ગ્રાઉન્ડમાં કાદવ અને કીચડની સમસ્યા જોઈને હોબાળો મચાવ્યો અને ગરબા ગાવાનું બંધ કરી દીધા હતા. આ ઘટનાએ ખેલૈયાના ઉત્સાહ પર પર પાણી ફેરવી દીધું હતું.
ગરબા ગ્રાઉન્ડમાં ખેલૈયાઓનો વિરોધ
22 સપ્ટેમ્બરે વડોદરાના યુનાઈટેડ વે ગરબા ગ્રાઉન્ડમાં નવરાત્રિનો પહેલો દિવસ શરૂ થયો ત્યારે લગભગ 25,000 યુવાનોએ ઉત્સાહથી ગરબા રમવા પહોંચ્યા હતા. ગરબાની શરૂઆતમાં પરિસ્થિતિ સામાન્ય હતી. જોકે બીજા સેશનમાં કેટલાક ખેલૈયાઓએ ગ્રાઉન્ડમાં કાદવ અને કીચડ હોવાની ફરિયાદ કરી. આ ફરિયાદો ટૂંક સમયમાં વિરોધમાં ફેરવાઈ ગઈ, અને ખેલૈયાઓએ ગરબા રોકી દીધા, જેનાથી માહોલ તંગ બની ગયો.
વિરોધ દરમિયાન કેટલાક ખેલૈયાઓએ મુખ્ય ગાયક અતુલ દાદા અને તેમના ગરબા ગાયક વૃંદ પર કાદવ ફેંક્યો અને અપશબ્દોનો ઉપયોગ પણ કર્યો હતો. અતુલ દાદાએ ખેલૈયાઓને શાંત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ “રિફંડ-રિફંડ”ના નારાઓએ માહોલને વધુ ગરમાવ્યો હતો. આખરે, યુનાઈટેડ વેના આયોજકોએ પહેલા દિવસની ટિકિટનું રિફંડ આપવાની જાહેરાત કરી, જેથી ખેલૈયાઓનો ગુસ્સો શાંત થાય.
આયોજકોએ જણાવ્યું કે, “અમને એક દિવસ આપો, અમે ગ્રાઉન્ડને પહેલાની જેમ સંપૂર્ણ તૈયાર કરી દઈશું. અમે ખોટાં વચનો નથી આપતા.” તેમણે વચન આપ્યું કે બીજા નોરતેથી ગરબા ગ્રાઉન્ડ અગાઉના વર્ષો જેવું જ રહેશે. જે ખેલૈયાઓ રિફંડ માંગે છે, તેઓ ગ્રાઉન્ડ પરના સ્ટોલ પર પોતાના પાસ જમા કરાવી શકે છે, અને આગામી છ દિવસમાં તેમના ખાતામાં પૈસા ઓનલાઈન જમા થઈ જશે.
આ પણ વાંચો…અંબાલાલ પટેલે વધારી ખેલૈયાઓની ચિંતા, જાણો છેલ્લા 24 કલાકમાં ક્યાં પડ્યો કેટલો વરસાદ