વડોદરા-મુંબઈ માર્ગ પર 2 કિલોમીટર લાંબો ટ્રાફિક જામઃ જૂઓ વીડિયો અને જાણો કારણ

વડોદરા: નેશનલ હાઈવે 48 પર વડોદરા નજીક વાઘોડિયા બ્રિજ આસપાસ 6 સપ્ટેમ્બરે રસ્તા પરના મોટા ખાડાને કારણે એક ટ્રક ફસાઈ જતાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. આ ઘટનાએ વાહનચાલકોને કલાકો સુધી રસ્તા પર અટવાયેલા રાખ્યા, અને સ્થાનિક તંત્ર તેમજ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા તાત્કાલિક પગલા લેવામાં આવ્યા છે. આ ઘટનાએ હાઈવેની ખરાબ સ્થિતિ અને એન્જિનિયરિંગની ખામીઓ પર ફરી એકવાર ચર્ચા જગાવી છે.
આખી વાત એમ છે કે, 6 સપ્ટેમ્બરે વાઘોડિયા બ્રિજ પર રસ્તાના મોટા ખાડામાં ટ્રક ફસાઈ જતાં અમદાવાદથી મુંબઈ તરફ જતા માર્ગ પર લાંબો ટ્રાફિક જામ થયો હતો. વાહનચાલકો 3થી 4 કલાક સુધી અટવાયેલા રહ્યા હતા. ટ્રાફિક જામની જાણ થતાની સાથે જ ટ્રાફિક પોલીસ તેમજ NHAIના પેટ્રોલિંગ સુપરવાઈઝર ઘટનાસ્થળે પહોંચ્યા. ટ્રકને બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવામાં આવી રહી છે, જોકે હવે ખાડા ભરવાનું કામ યુદ્ધના ધોરણે શરૂ કરાયું. જોકે, આ ઘટનાએ હાઈવેની સમસ્યાઓને ફરી ઉજાગર કરી.
આ ટ્રાફિક જામ એક ટ્રકના ખાડામાં ફસાઈ જવાના કારણે સર્જાયો હતો. મીડિયા સાથે વાત કરતા ટ્રક ચાલકે જણાવ્યું કે, “ગઈ રાતથી મારો ટ્રક ખાડામાં ફસાયો છે. જેના કારણે ટ્રકના બે ટાયર ફાટી ગયા, અને ક્રેનના ખર્ચે મને લગભગ 50,000 રૂપિયાનું નુકસાન થયું.” અન્ય એક ચાલકે જણાવ્યું કે, “2 કિલોમીટરનું અંતર કાપવામાં 4 કલાક લાગ્યા. સરકારે આ રસ્તાઓની સ્થિતિ સુધારવી જોઈએ.” આ ઘટનાએ વાહનચાલકોમાં ભારે નારાજગી જન્માવી, અને રસ્તાની ખરાબ સ્થિતિ માટે એન્જિનિયરિંગની ખામીઓને જવાબદાર ગણાવી.
સ્થાનિકોના મતે છેલ્લા ત્રણ વર્ષથી આ હાઈવેની સમસ્યા યથાવત છે. ખાડા અને વરસાદના પાણીનો ભરાવો એન્જિનિયરિંગની ખામીઓને કારણે છે. 15-20 દિવસથી વરસાદ બંધ હોવા છતાં રસ્તાનું સમારકામ થયું નથી. સ્થાનિકોના મતે આ ખાડા 2 ફૂટથી વધુ ઊંડા અને 10-20 ફૂટ લાંબા છે, આ ખાડા ખાસ કરીને નાના વાહનો અને ટ્રકો માટે જોખમી છે, જે રાત્રે વધુ ખતરનાક બને છે. તેમણે તાત્કાલિક ઉકેલ તરીકે ખાડાઓમાં કોંક્રીટ નાખવાની માંગ કરી.
વાઘોડિયા બ્રિજ ઉપરાંત જાંબુવા, પોર અને બામણગામ બ્રિજ પર પણ ટ્રાફિક જામની સમસ્યા સતત રહે છે. આ બ્રિજો સાંકડા હોવાને કારણે અને રસ્તાઓની ખરાબ સ્થિતિને લીધે વાહનોની ગતિ ધીમી પડે છે, જેનાથી લાંબી કતારો લાગે છે. ગઈકાલે જાંબુવા બ્રિજ પર 15 કિલોમીટર લાંબો જામ થયો હતો, જેમાં વાહનચાલકો 24 કલાક સુધી ફસાયેલા રહ્યા. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ ત્યાંનો ટ્રાફિક નેશનલ હાઈવે તરફ ડાયવર્ટ થતાં સમસ્યા વધી છે. NHAIએ જણાવ્યું કે ખાડા ભરવાનું કામ શરૂ થઈ ગયું છે, અને ટૂંક સમયમાં ટ્રાફિક સામાન્ય થશે.
આ પણ વાંચો…અમદાવાદ મુંબઈ હાઈવે પર વડોદરા નજીક સતત ત્રીજા દિવસે ટ્રાફિક જામ સર્જાયો, વાહન ચાલકો પરેશાન