વડોદરામાં રિફાઇનરી સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, વાલીઓમાં અફરાતફરી, પોલસ તપાસનો ધમધમાટ શરૂ | મુંબઈ સમાચાર
વડોદરા

વડોદરામાં રિફાઇનરી સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, વાલીઓમાં અફરાતફરી, પોલસ તપાસનો ધમધમાટ શરૂ

વડોદરા: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી બોમ્બથી સરકારી કે ખાનગી સંસ્થાને ઉડાવી દેવાની ધમકી ભર્યા મેઈલ મળી રહ્યા છે. આ વચ્ચે વડોદરાના 24 જૂનના રિફાઈનરી CBSE સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેઈલ મળ્યો હતો. નોંધનીય બાબત એ છે કે, સતત બીજા દિવસે આવી ઘટના સામે આવી છે. આ ધમકીથી વાલીઓમાં ભયનો માહોલ ફેલાયો છે, ધમકી મળતાની સાથે જ સ્કૂલે તાત્કાલિક તમામ વિદ્યાર્થીઓને રજા આપી દીધી. પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સાથે સ્કૂલમાં સઘન તપાસ શરૂ કરી છે.

રિફાઈનરી સ્કૂલને ધમકીભર્યો મેલ

સોમવારે રિફાઈનરી CBSE સ્કૂલના આચાર્યને ઈ-મેલ દ્વારા ધમકી મળી કે સ્કૂલમાં બોમ્બ મૂકવામાં આવ્યો છે, જે ફાટશે. આ મેલ મળતાની સાથે જ સ્કૂલે વિદ્યાર્થીઓને ઘરે મોકલી દીધા. જવાહરનગર પોલીસ, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. CISFના જવાનોને પણ રિફાઈનરી વિસ્તારની સુરક્ષા માટે તૈનાત કરાયા. સાયબર ક્રાઈમ ટીમે મેલના IP એડ્રેસની તપાસ શરૂ કરી છે.

નવરચના સ્કૂલને બે વખત મળી ધમકી

રવિવારે વડોદરાના સમા વિસ્તારની નવરચના સ્કૂલને પણ આવી જ બોમ્બ ધમકી મળી હતી. પોલીસે સાડા ત્રણ કલાક સુધી તપાસ કરી, પરંતુ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહોતી. આ વર્ષે જાન્યુઆરીમાં પણ નવરચના સ્કૂલને ડાર્ક વેબ દ્વારા ધમકીભર્યો મેલ મળ્યો હતો, જેની તપાસમાં કંઈ મળ્યું નહોતું. સતત છ મહિનામાં બીજી વખત આવી ધમકીથી વાલીઓમાં ભયનો માહોલ છે.

વાલીઓની કડક કાર્યવાહીની માંગ

બોમ્બની ધમકી મળતાની સાથે શાળા ખાલી કરાવી હતી. આ સમાચાર મળતા વાલીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ સાથે વાલીઓએ ઘટના પર કડક કાર્યવાહીની માગ પણ કરી હતી. સ્કૂલે વાલીઓને સવારે 9:15 સુધીમાં બાળકોને લઈ જવા જણાવ્યું. DCP ઝોન 4 પન્ના મોમાયાએ જણાવ્યું કે સ્કૂલની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે લોકોને ગભરાટ ન ફેલાવવા અને સહકાર આપવા અપીલ કરી છે.

આ પણ વાંચો…વડોદરાની નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપ્યો મેઈલ, પોલીસ તંત્ર દોડતું થયું

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button