ગંભીરા બ્રિજ દુર્ઘટનાના ચાર દિવસ બાદ પણ દીકરો મળતો નથીઃ પરિવારનું રૂદન તમને પણ રડાવી દેશે

વડોદરાઃ ગંભીરા બ્રિજ દુર્ઘટનાને આજે ચાર દિવસ થઈ ગયાં છે. આ બ્રિજ તૂટી પડ્યો તેના કારણે કુલ 20 લોકોના મોત થયા હોવાની પુષ્ટી કરવામાં આવી છે. જ્યારે એક વ્યક્તિ હજી પણ લાપતા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ચાર દિવસ બાદ પણ હજી શોધખોળ ચાલી રહી છે, ત્યારે 22 વર્ષીય વિક્રમનો પરિવાર હજી પણ દીકરાના મૃતદેહની રાહ જોઈ રહ્યો છે. આખો પરિવાર અત્યારે હૈયાફાટ રૂદન કરી રહ્યો છે. દીકરો જીવતો તો ઘરે નથી આવ્યો પરંતુ તેનો મૃતદેહ પણ મળ્યો નથી.
દીકરાના મૃતદેહ વિના અંતિમ સંસ્કાર કેવી રીતે કરવા?: પિતા
આ દુર્ઘટનામાં અત્યાર સુધી 20 લોકોના મૃત્યુ થયા છે જ્યારે હજુ એક વ્યક્તિની શોધખોળ શરૂ છે. નરસિંહપૂરા ગામના 22 વર્ષીય વિક્રમ નામના યુવાનની શોધખોળ ચાલી રહી છે. આ વ્યક્તિ ખાનગી કંપનીમાં નોકરી કરતા હોવાનું જાણવા મળ્યું છે. વિક્રમનો પરિવાર રોજ રાહ જોઈ રહ્યો છે કે, ક્યારે પોતાની દીકરાનો મૃતદેહ આવશે? વિક્રમના પિતાનું કહેવું છે કે, મારા ઘરે રોજ સવારે 6 વાગે સંબંધીઓ આવે છે અને 11 વાગે જતા રહે છે, પરંતુ દીકરાનો મૃતદેહ આવતો નથી. જેથી પિતાએ અધિકારીઓને વિનંતી કરી કે તેઓ ઝડપથી કામ કરે અને મૃતકના અંતિમ સંસ્કાર કરાવે. કારણે કે, દીકરાના મૃતદેહ વિના અંતિમ સંસ્કાર કેવી રીતે કરવા? હવે પ્રશ્ન એ પણ થાય છે વિક્રમ જીવે છે કે, સાચે જ મૃત્યું પામ્યો હશે? જેથી તંત્ર દ્વારા આ મામલે ઝડપથી શોધખોળ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.
એકનો મૃતદેહ મળ્યો પણ વિક્રમનો મૃતદેહ હજી પણ લાપતા
વિક્રમ પઢિયારના પિતાએ કહ્યું કે, 9મી જુલાઈએ તેમનો દીકરો સવારે ઘરેથી બાઈક લઈને નીકળ્યો હતો. તેની સાથે તેનો મામાનો છોકરો પણ ગયો હતો. જે અંકલાવ તાલુકાના દેવપુરા ગામનો રહેવાસી હતી. બંને એક જ કંપનીમાં કામ કરતા હોવાથી એક સાથે ઘરેથી જતા હતાં. પરંતુ 9મી જુલાઈએ પાછા જ ના આવ્યાં. તે બંનેમાંથી રાજેશ ઈશ્વર ચાવડાનો મૃતદેહ મળ્યો છે પરંતુ વિક્રમનો મૃતદેહ હજી પણ લાપતા છે. પિતાએ કહ્યું મારા દીકરાનો મૃતદેહ હજી પણ નદીમાં જ ફસાયેલો છે. જેથી અધિકારીઓ દ્વારા સત્વરે તેની શોધ કરવામાં આવે તેવી માંગણી પરિવાર દ્વારા કરવામાં આવી છે.

અમારી ટીમ ગુમ થયેલા વ્યક્તિના મૃતદેહને શોધી રહી છેઃ કલેક્ટર
વડોદરાના કલેક્ટર અનિલ ધામેલિયાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, ‘અમારી ટેકનિકલ ટીમ પુલના મુખ્ય સ્લેબને દૂર કરવા અને ગુમ થયેલા વ્યક્તિના મૃતદેહની શોધ કરવામાં સંપૂર્ણપણે રોકાયેલી છે, અગાઉ, 34 મીમી કેબલ સાથે બે પુલીવાળી બે ગાડીઓ, જે 300 ટનનો ભાર સહન કરી શકે છે, તેનો ઉપયોગ મુખ્ય સ્લેબને દૂર કરવા માટે કરવામાં આવ્યો હતો. અમે હિટાચી અને ક્રેનની મદદથી પણ પ્રયાસ કર્યો, પરંતુ અમે સ્લેબને દૂર કરી શક્યા નહીં, હજી પણ આ કામ ચાલી રહ્યું છે’.
આપણ વાંચો: ધાણેટી ગામની ફેક્ટરીમાં નિર્માણધીન પાણીના ટાંકામાં સાત વર્ષની બાળકી ડૂબી