વડોદરામાં ‘ભાજપ’ના પ્રયોગ: 44 નેતાની દાવેદારી વચ્ચે જયપ્રકાશ સોનીને પ્રમુખ બનાવ્યા, જાણો કોણ છે અને કારણ શું?

Vadodara City Bjp President: ગુજરાત ભાજપ (ભારતીય જનતા પાર્ટી) દ્વારા શહેર પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે. 44 નેતાની દાવેદારી વચ્ચે વડોદરામાં કરવામાં આવેલા ભાજપ પ્રમુખના નવા નામને લઈ લોકોને વિચારતા કરી દીધા છે. આખરે કોણ છે આ ડૉ. જયપ્રકાશ સોની જેમને ભાજપએ વડોદરા શહેર અધ્યક્ષ બનાવ્યાં છે? પહેલા વડોદરા શહેર પ્રમુખ તરીકે રંજનબેન ભટ્ટના નામની ચર્ચાઓ ચલાતી હતી, પરંતુ અનેક વિવાદોના કારણે પાર્ટીએ તેમનું નામ પાછું ખેંચી લીધું હતું. આ રેસમાં પૂવ શહેર પ્રમુખ ડૉ. વિજય શાહની ચર્ચાઓ વચ્ચે વડોદરામાં ડૉ. જયપ્રકાશ સોનીને શહેર પ્રમુખ બનાવ્યાં છે.
ડેપ્યુટી રજિસ્ટ્રારથી સીધા શહેર પ્રમુખ બનાવ્યા
ચોંકાવનારી વાત એ છે કે, પૂર્વ શહેર પ્રમુખ ડૉ. વિજય શાહ સાથે કુલ 44 લોકોએ આ પદ માટે પોતાની દાવેદારી નોંધાવી હતી પરંતુ પાર્ટીએ ડૉ. જયપ્રકાશ સોનીના નામની જાહેરાત કરીને દરેકને ચોંકાવી દીધા છે. આ પહેલા ડૉ. જયપ્રકાશ સોની ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયમાં ડેપ્યુટી રજિસ્ટ્રાર તરીકે કામ કરતાં હતાં. એટલું જ નહીં, પરંતુ તેઓ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં પણ ડેપ્યૂટી રજિસ્ટ્રાર અને આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર તરીકે કામ કરેલું છે. વડોદરા સંઘના શારીરિક શિક્ષણના વડા તરીકેની નોકરી કરી છે. ડૉ. જયપ્રકાશ સોની મૂળ ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના છે. તેમના નામની જાહેરાત થતાં જ ભાજપના નેતાઓ ચોંકી ઉઠ્યા હતાં.
સ્થાનિક નેતાઓની આશા પર ફરી વળ્યું પાણી
પાર્ટીમાં જવાબદારી લેવામાં માટે અન્ય ઘણાં નેતાઓને આશા હતી પરંતુ એ દરેકની આશા પર પાણી ફરી વળ્યું છે. ખાસ કરીને આ પહેલાના શહેર પ્રમુખ ડૉ. વિજય શાહને પણ આશા હતી કે ફરી તેમને જ પ્રમુખ બનાવામાં આવશે, જોકે, એવું થયું નહીં, ડૉ. વિજય શાહ પાર્ટીને મજબૂત કરવા માટે ઘણાં પ્રયત્નો કર્યાં છે. તેમના કાર્યકાળમાં પાર્ટી વધારે મજબૂત થઈ છે તેવું રાજકીય વિશેષજ્ઞોનું માનવું છે. ખેર, પાર્ટીએ શહેર પ્રમુખની જવાબદારી તો નથી આપી પરંતુ સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે, તેમને પ્રદેશ ટીમમાં સ્થાન મળી શકે છે.
વડોદરા શહેરમાં ભાજપની રણનીતિએ લોકોને આશ્ચર્યમાં નાખ્યા
વડોદરામાં ભારતીય જનતા પાર્ટીની રણનીતિએ દરેક લોકોને અચંબીત કરી નાખ્યાં છે. કારણ કે, આ પહેલા પોરબંદરથી વડોદરા આવેલા હેમાંશ જોશીને પાર્ટીએ સાંસદ બનાવી દીધા છે અને હવે પાટણથી આવેલા ડૉ. જયપ્રકાશ સોનીને શહેર પ્રમુખ બનાવી દીધા છે. આખરે કેમ પાર્ટી અહીં વર્ષોથી કામ કરતા સ્થાનિક નેતાઓ પર વિશ્વાસ કરતી નથી? શું પાર્ટી એવું માને છે કે સ્થાનિક નેતાઓએ કામગીરી કરવામાં કચાસ રાખી હશે? આવા અનેક પ્રશ્નો અત્યારે રાજકીય વિશેષજ્ઞોને પણ થઈ રહ્યાં છે.
વડોદરામાં ભાજપને કેવી રીતે મજબૂત કરશે નવા પ્રમુખ?
રાજકીય વિશેષજ્ઞો એવું પણ માની રહ્યાં છે કે, સંઘમાં સક્રિય રહેવાના કારણે પણ તેમને આ પદ મળ્યું છે. જયપ્રકાશ સોનીની છબી એકદમ સાફ અને દાગ વિનાની હોવાના કારણે વિરોધ નથી થઈ રહ્યો! ભારતીય જતના પાર્ટીના નેતાઓ ચાહે તો પણ વિરોધ કરી શકે તેમ નથી. હવે જોવાનું એ રહે છે કે, વડોદરા શહેરમાં ઉઠતા પ્રશ્નો અને નગર નિગમના કામકાજને ડૉ. જયપ્રકાશ સોની કેવી રીતે સંભાળે છે. જોવાનું એ પણ રહેશે કે, ડૉ. જયપ્રકાશ સોની વડોદરા શહેરમાં ભાજપને મજબૂત કરે છે કે કેમ? પરંતુ તેમના નામની જાહેરાત થતાની સાથે સ્થાનિક નેતાઓ હવે કેવો સાથ સહકાર આપશે તે પણ જોવાનું રહેશે.