વડોદરા

છોટા ઉદેપુરમાં મહિલાના પગમાં માલિશ કરી વિધિ કરતો ઢોંગી ભૂવાનો પર્દાફાશ

વડોદરાઃ આજના વિજ્ઞાન અને ટેકનોલોજીનાં યુગમાં પણ અંધશ્રદ્ધાનાં બનાવોમાં વધારો જ થતો રહે છે ત્યારે છોટા ઉદેપુરમાં વધુ એક વખત ઢોંગી ભૂવો ઝડપાયો હતો. છોટા ઉદેપુરના સટુંન ગામેથી વિજ્ઞાન જાથાએ છટકું ગોઢવીને ઢોંગી ભૂવાનો પર્દાફાશ કર્યો હતો.

ગણપત નાયક નામનો ઢોંગી ભૂવો મહિલાના પગમાં માલિશ કરી વિધિ કરતો હતો. આ ઉપરાંત દોરા, ધાગા પણ કરતો હતો. વિજ્ઞાન જાથાએ પાખંડી ભૂવા પાસે માફી પણ મંગાવી હતી.

વિજ્ઞાન જાથાને માહિતી મળી હતી કે ગણપત નાયક નામનો ભૂવો ખોટા દોરા ધાગા કરી ગ્રામજનોને ભ્રમિત કરી રહ્યો છે. તે મહિલાઓને પગના ભાગે માલિશ પણ કરતો હતો. ભૂવો જ્યારે માલિશ કરતો હતો તે દરમિયાન વિજ્ઞાન જાથાની ટીમ ત્યાં પહોંચી હતી. ગ્રામજનોએ ઢોંગી ભૂવાનો વીડિયો ઉતારી વાઇરલ કર્યો હતો.

આપણ વાંચો: રાજકોટમાં બન્યો વધુ એક અંધશ્રદ્ધાનો કિસ્સોઃ ભૂવાની મેલી મુરાદનો ભોગ બનતા યુવતીએ અંતિમ પગલું ભર્યું

બોડેલીમાં ભૂવાએ બાળકની બલિ ચઢાવી હતી

થોડા દિવસ પહેલા છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના પાણેજ ગામમાં નરબલિની ઘટના ઘટી હતી. લાલુ તડવી નામના ભૂવા દ્વારા પાંચ વર્ષની બાળકીની બલિ ચઢાવ્યો હતો.

બાળકી બહાર આંગણામાં રમી રહી ત્યારે ભુવો તેને ઘરમાં બનાવેલા મંદિરમાં લઈ ગયો હતો અને અંદર મંદિરનાં પગથિયે જ બાળકીને ગળાનાં ભાગે કુહાડીનાં ઘા મારીને હત્યા કરી દીધી હતી.

ભૂવાએ બાળકીની હત્યા કર્યા બાદ તેનું લોહી મંદિરનાં પગથિયે ચઢાવ્યુ હતુ. આ બનાવ અંગે પોલીસે ભૂવા લાલુ તડવીની ધરપકડ કરી હતી અને હત્યાનો ગુનો દાખલ કરી મામલાની વધુ તપાસ હાથ ધરી હતી.

આપણ વાંચો: અંધશ્રદ્ધાએ હદ વટાવીઃ છોટા ઉદેપુરમાં તાંત્રિક વિધિના નામે ભુવાએ બાળકીની કરી હત્યા

બાળકીની માતા કપડાં ધોઈ રહી હોય તે દરમિયાન ભૂવો ત્યાં આવ્યો હતો અને બાળકીને ઉપાડીને લઈ ગયો હતો અને બાળકીની માતાએ બૂમાબૂમ કરી મૂકી હતી પરંતુ ભૂવાનાં હાથમાં કુહાડી હોવાથી કોઇ કઈ કરી શક્યું નહોતું.

સુરતમાં ભૂવાએ વિધિના બહાને પરિણીતા પર આચર્યું હતું દુષ્કર્મ

સુરતમાં પુણા ગામમાં રહેતી એક પરિણીતા સાથે તેના ફોઈના દીકરાએ વિધિના બહાને દુષ્કર્મ આચર્યું હતું. પરિણીતાએ આ અંગે પતિને વાત કરતાં તેણે ફોન કરી ભૂવાને સુરત બોલાવ્યો હતો. ધારીના ચરખા ગરમલી ગામના ભરત કડવાભાઈ કુંજડીયા (ભુવા) બે દિવસ પહેલા સુરત આવ્યો હતો.

તેણે પરિણીતાના પતિ પાસે બજારમાંથી ફૂલ લેવડાવ્યા હતા અને ઘરે આવી રાત્રે 12.30 કલાકે પરિણીતા અને તેના પતિને કહ્યુ કે, તમારે યોગ પાક્યો છે. તેથી તમારા ભાગ્ય ખુલી ગયા છે. બાદમાં વિધિનો સામાન મંગાવીને મંત્રો બોલવાનું શરૂ કર્યું હતું.

બંનેની આંખો પર રૂદ્રાશ લગાડી નિર્વસ્ત્ર થવા કહ્યું હતું. જે બાદ ભૂવાએ પરિણીતાને વિધિના ભાગ રૂપે ખોળામાં બેસાડી દુષ્કર્મ આચર્યું હતું. પોતાની સાથે ખોટું થયું હોવાનું લાગતાં પરિણીતા ભૂવાને ધક્કો મારી ત્યાંથી ભાગી ગઈ હતી. જે બાદ ભૂવા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button